GST 2.0 લાગુ થવાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ થશે સસ્તી, જ્યારે લક્ઝરી અને તમાકુ પ્રોડક્ટ્સ થશે મોંઘા. જાણો કઈ વસ્તુઓ પર ટેક્સ સ્લેબ બદલાયો અને તેનાથી તમારા ખિસ્સા પર શું અસર થશે.

નવી દિલ્હી, ગુરૂવાર
કેન્દ્ર સરકારે દેશના સામાન્ય નાગરિકોને દિવાળી પહેલા એક મોટી ભેટ આપી છે. દિલ્હીમાં યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવાયા છે, જેના કારણે ટેક્સ સ્લેબમાં ફેરફાર થયો છે. આ નવા રેટ્સ તારીખ 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે. આ ફેરફારથી 100 કરતાં વધુ વસ્તુઓના ભાવ ઘટશે, જ્યારે કેટલીક વસ્તુઓ મોંઘી થશે.
આ નવા GST સુધારા હેઠળ, રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ, કૃષિ ઉત્પાદનો અને હેલ્થ પ્રોડક્ટ્સ પરના ટેક્સ રેટ્સમાં ઘટાડો થયો છે. બીજી તરફ, લક્ઝરી વાહનો, તમાકુ ઉત્પાદનો, કેફીનયુક્ત પીણાં અને ક્રિકેટ મેચની ટિકિટો પર ટેક્સ વધારવામાં આવ્યો છે.
ચાલો જોઈએ કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી:
આ વસ્તુઓ થશે સસ્તી
ખાદ્ય ચીજો:
* ઘી, ચીઝ, માખણ, અને ડેરી પ્રોડક્ટ્સ પરનો GST 12% થી ઘટીને 5% થયો છે.
* ચોકલેટ અને કોકો પાઉડર પરનો ટેક્સ 18% થી ઘટીને 5% થયો.
* નૂડલ્સ, બિસ્કિટ, પાસ્તા અને સૂકા મેવા પરનો ટેક્સ 12% થી 18% માંથી ઘટાડીને 5% કરાયો છે.
* પીઝા બ્રેડ, ખીચિયા, ચપાતી અને રોટી પરનો ટેક્સ 5% થી ઘટાડીને શૂન્ય કરાયો છે.
કન્ઝ્યુમર અને ઘરેલુ ચીજો:
* હેર ઓઈલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ અને શેવિંગ પ્રોડક્ટ્સ પરનો ટેક્સ 18% થી ઘટીને 5% થયો.
* સામાન્ય કિચનવેર (લાકડા, લોખંડ, એલ્યુમિનિયમ) પરનો ટેક્સ 12% થી ઘટીને 5% થયો.
* છત્રી, સીવણ મશીન, ડાયપર અને હાથ બનાવટની વસ્તુઓ પરનો ટેક્સ પણ 12% થી ઘટીને 5% થયો છે.
* પેન્સિલ, શાર્પનર, નોટબુક અને અભ્યાસ પુસ્તકો પરનો ટેક્સ 12% માંથી ઘટીને શૂન્ય થયો છે.
ઈલેક્ટ્રોનિક્સ:
* એર કન્ડિશનર (AC), વોશિંગ મશીન અને ટીવી પરનો ટેક્સ 28% થી ઘટીને 18% થયો છે.
ઓટોમોબાઈલ:
* ટાયર અને નાના વાહનો (350cc થી નાની મોટરસાયકલ, એમ્બ્યુલન્સ) પરનો ટેક્સ 28% થી ઘટીને 18% થયો.
સાયકલ પરનો ટેક્સ 12% થી ઘટીને 5% થયો.
હેલ્થ પ્રોડક્ટ્સ:
* હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ પરનો ટેક્સ 18% થી ઘટીને શૂન્ય થયો છે.
* ગ્લુકોમીટર, થર્મોમીટર, અને મેડિકલ ગ્લવ્ઝ પરનો ટેક્સ 12% થી ઘટીને 5% થયો છે.
આ વસ્તુઓ થશે મોંઘી
* સિગારેટ, બીડી, અને તમાકુ પ્રોડક્ટ્સ પરનો ટેક્સ 28% થી વધારીને 40% કરવામાં આવ્યો છે. જોકે પરંપરાગત હાથથી બનેલી બીડી પરનો ટેક્સ 28% થી ઘટાડીને 18% થયો છે.
* લક્ઝરી કાર, મોટી SUV અને 350cc થી મોટી મોટરસાયકલ પરનો ટેક્સ 28% થી વધારીને 40% કરવામાં આવ્યો છે.
* કેફીનયુક્ત અને કાર્બોનેટેડ પીણાં પરનો ટેક્સ 28% થી વધારીને 40% થયો છે.
* ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટિકિટો પરનો ટેક્સ 12% થી વધારીને 18% થયો.
* કોલસો, લિગ્નાઈટ અને પીટ પરનો ટેક્સ 5% થી વધારીને 18% થયો છે.
આ નવા GST રેટ્સથી સામાન્ય નાગરિકો માટે ખરીદી કરવી વધુ પોસાય તેવી બનશે, પરંતુ લક્ઝરી પ્રોડક્ટ્સ પર ટેક્સનું ભારણ વધશે. આ ફેરફારોથી અર્થતંત્રમાં પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે.











