ગુજરાતની ગ્રામ પંચાયતોમાં નવો અધ્યાય: સ્વચ્છતા અને વિકાસ માટે ડબલ ગ્રાન્ટ, સરપંચોને કરાયા સન્માનિત!

પાટીલે ગામમાં સ્વચ્છતા, જલ જીવન મિશન અને જળસંચય અભિયાનને વેગ આપવા પર વિશેષ ભાર મૂક્યો. તેમણે ‘કેચ ધ રેઇન’ અભિયાનને પ્રાધાન્ય આપવા અને જનભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરવા અનુરોધ કર્યો.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતના ગ્રામીણ વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. રાજ્યના નવનિર્વાચિત સરપંચો અને ગ્રામ પંચાયતના સદસ્યોનું ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગામડાંઓમાં સ્વચ્છતા વધારવા માટે વ્યક્તિ દીઠ માસિક ફાળવણી રૂ. 4થી વધારીને રૂ. 8 કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને નવી ગતિ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંકલ્પ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, તેઓ ‘આપણું ગામ આપણું ગૌરવ’ના મંત્ર સાથે ગામના વિકાસ કાર્યોના પાયા બનશે. તેમણે ગામડાઓમાં સ્વચ્છતા-સફાઈની સ્પર્ધા થાય તેવું વાતાવરણ ઊભું કરવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમના નેતૃત્વમાં ગ્રામીણ અર્થતંત્ર અને માળખાકીય સુવિધાઓને નવી દિશા મળી છે.

આ પ્રસંગે 761 સમરસ ગ્રામ પંચાયતોને રૂ. 35 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત, પંચાયત અને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ માટે કુલ રૂ. 1236 કરોડની ગ્રાન્ટ પણ જાહેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગામથી વિકસિત ગુજરાતના નિર્માણમાં સરપંચોની ભૂમિકા અત્યંત મહત્વની રહેશે.

સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવનિયુક્ત સરપંચો અને સદસ્યોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ગ્રામજનોએ તેમના ગામના વિકાસની સંપૂર્ણ જવાબદારી તેમને સોંપી છે. તેમણે સરપંચને ગામનો મુખ્યમંત્રી ગણાવ્યા હતા અને કહ્યું કે જેમ રાજ્યની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે, તેમ ગામને સમૃદ્ધ બનાવવાની જવાબદારી સરપંચની છે.

સુવિધા શહેરની અને આત્મા ગામડાનો
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ સુવિધા શહેરની આત્મા ગામડાનો ને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે ગ્રામ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છતા અભિયાન, મનરેગા, ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ જેવી યોજનાઓના સફળ અમલીકરણથી ગામડાંઓને સુવિધાસભર બનાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું.

આ કાર્યક્રમમાં સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચો અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોના સરપંચોને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોષી, પંચાયત વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નવનિર્વાચિત સરપંચો-સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!