મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી અને નવનિયુક્ત સરપંચોને સંબોધન કર્યું હતું. તેમણે ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો

ગાંધીનગર,શુક્રવાર: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા ચૂંટાયેલા સરપંચોનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી અને નવનિયુક્ત સરપંચોને સંબોધન કર્યું હતું. તેમણે ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
મુખ્યમંત્રીએ સરપંચોને સંબોધતા જણાવ્યું કે, “પૈસાની બાબતમાં અત્યંત સંભાળ રાખીને કામ કરવું જરૂરી છે. જો કોઈ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું જણાશે, તો તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. અત્યાર સુધી આવા કોઈ લોકોને છોડ્યા નથી અને ભવિષ્યમાં પણ છોડવામાં નહીં આવે.”આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ગામડાંના વિઝનનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, “વડાપ્રધાને ગામના સર્વાંગી વિકાસ માટે સરપંચોને મહત્વની સત્તા સોંપી છે. આ સત્તાનો ઉપયોગ ગામના વિકાસ અને લોકોના કલ્યાણ માટે થવો જોઈએ.”
તેમણે નવા સરપંચો અને પંચાયત સભ્યોનો ઉત્સાહ વધારતાં કહ્યું, “તમે ગ્રામપંચાયતના સ્તંભ છો. ગામના વિકાસના દરેક કાર્યમાં તમારી ભૂમિકા નિર્ણાયક છે. તમારે પારદર્શક અને જવાબદાર રીતે કામ કરીને ગામની પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ જવાની છે.”આ સંમેલન ગુજરાતના ગ્રામીણ વિકાસ માટે એક મહત્વનું પગલું સાબિત થશે, જેમાં સરપંચોને તેમની જવાબદારીઓ અને ગામના વિકાસ માટેની નવી દિશા અંગે માર્ગદર્શન મળ્યું.











