અમદાવાદ: 45 વર્ષીય બિલ્ડર હનીટ્રેપનો શિકાર, 10 કરોડની ખંડણી માંગનાર પત્રકાર અને યુવતી ઝડપાયા

અમદાવાદમાં બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી 10 કરોડની ખંડણી માંગનાર પત્રકાર અશ્વિન અને સુનિતા રાજપૂતની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. જાણો કેવી રીતે ગોઠવાયો હતો આખો પ્લાન.

અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં દિવસેને દિવસે હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલમાં જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા એક 45 વર્ષીય બિલ્ડરને નિશાન બનાવવામાં આવ્યા છે. બિલ્ડરના અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેમની પાસે અધધ 10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે, બિલ્ડરની સતર્કતા અને મિત્રોની મદદથી આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર અને એક યુવતીની ધરપકડ કરી લીધી છે.

કેવી રીતે રચાયું ષડયંત્ર?
આ સમગ્ર ઘટનાની શરૂઆત બિલ્ડરની ઓફિસમાં કામ કરતી એક યુવતીથી થઈ હતી. આ યુવતીના બિલ્ડર સાથે નજીકના સંબંધો હતા અને તેને પૈસાની જરૂર હોવાથી તે અવારનવાર બિલ્ડર પાસે મદદ માંગતી હતી. આ દરમિયાન, યુવતીનો સંપર્ક એક અખબારના તંત્રી અશ્વિન સાથે થયો હતો. અશ્વિન NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પણ છે. અશ્વિને બિલ્ડર પાસેથી વધુ પૈસા પડાવવાની લાલચ આપી બિલ્ડરની બધી માહિતી મેળવી લીધી અને એક અન્ય મહિલા સાથે મળીને બિલ્ડરને ફસાવવાનો પ્લાન બનાવ્યો.

સ્પાય કેમેરાથી ઉતાર્યો વીડિયો
પ્લાન મુજબ, ઓફિસમાં કામ કરતી યુવતીને પૈસા મળશે તેવી ખાતરી આપીને બિલ્ડર સાથે એક નક્કી કરેલી જગ્યાએ મોકલવામાં આવી. ત્યાં મહિલા અને તેનો સાથીદાર અગાઉથી જ હાજર હતા. તેમણે સ્પાય કેમેરાની મદદથી બિલ્ડરની અંગત પળોનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો.

50 કરોડથી શરૂ કરી 10 કરોડ સુધીની માંગણી
વીડિયો ઉતાર્યા બાદ મુખ્ય આરોપી તે ક્લિપ બિલ્ડરને વોટ્સએપ પર મોકલી હતી. તેણે ધમકી આપી હતી કે જો પૈસા નહીં મળે તો આ વીડિયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર વાયરલ કરી દેવામાં આવશે. શરૂઆતમાં આરોપીઓએ 50 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. સતત 5-6 દિવસ સુધી ચાલેલી રકઝક અને ધમકીઓ બાદ આખરે મામલો 10 કરોડ રૂપિયામાં પતાવવાનું નક્કી થયું હતું.

મિત્રોની મદદથી ભાંડો ફૂટ્યો
બિલ્ડર પોતાની સામાજિક ઈજ્જત જવાના ડરથી ખૂબ ગભરાઈ ગયા હતા. તેમણે આટલી મોટી રકમ ભેગી કરવા માટે પોતાના મિત્રો પાસે મદદ માંગી. જ્યારે મિત્રોએ પૈસાની જરૂરિયાતનું કારણ પૂછ્યું અને વિગતો જાણી, ત્યારે તેમને દાળમાં કઈક કાળું હોવાની શંકા ગઈ. મિત્રોની સલાહથી બિલ્ડરે સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો.

પોલીસે તાત્કાલિક એક્શન લઈ ગુનો દાખલ કર્યો અને છટકું ગોઠવીને મુખ્ય સૂત્રધાર અને મહિલાને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શાહપુરનો રહેવાસી છે અને પત્રકારત્વ તેમજ રાજકીય હોદ્દાનો ઉપયોગ કરી લોકો પર રોફ જમાવતો હતો. હાલ પોલીસ ફરાર આરોપી અને બિલ્ડરની ઓફિસમાં કામ કરતી યુવતીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!