શું મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી નવા જૂની થશે? 2023 ના ભાગલા પછી પહેલીવાર અજિત પવાર અને સુપ્રિયા સુલે એક મંચ પર જોવા મળ્યા. પુણેના વિકાસ માટે બંને જૂથ આવ્યા સાથે અને ભાજપ પર સાધ્યું નિશાન. વાંચો વિગતવાર અહેવાલ.

મહારાષ્ટ્ર, શનિવાર
રાજકારણમાં ક્યારે શું થાય તે કોઈ કહી શકતું નથી. આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે મહારાષ્ટ્રમાં. વર્ષ 2023માં NCPમાં પડેલા ઉભા ભાગલા અને કૌટુંબિક વિખવાદ બાદ, શનિવારે એક એવી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમના બહેન તથા NCP (SP) ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા.
રાજકીય દુશ્મની ભૂલીને પરિવાર એક થયો
પુણે નગર નિગમની ચૂંટણી પહેલાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. અજિત પવારના નેતૃત્વવાળી NCP અને તેમના કાકા શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) એ સાથે મળીને પુણે માટે સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. બંને નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ મંચ પર એવા નેતાઓ પણ હાજર હતા જેઓ અત્યાર સુધી ચૂંટણી પ્રચારથી દૂર રહેતા હતા, જેના કારણે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પુણેના વિકાસ પર ફોકસ
આ પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે સ્પષ્ટ કર્યું કે આ ગઠબંધન અને ઢંઢેરો સંપૂર્ણપણે પુણેના સ્થાનિક મુદ્દાઓ અને વિકાસ પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે શહેરના નાગરિકોની પાયાની જરૂરિયાતો સંતોષવી એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઢંઢેરામાં પાણી, રસ્તા, ટ્રાફિક અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
પોતાના જ સાથી પક્ષ ભાજપ પર પ્રહારો
સૌથી નવાઈની વાત એ છે કે, અજિત પવાર હાલમાં રાજ્ય સરકારમાં ભાજપ સાથે ગઠબંધનમાં છે અને નાયબ મુખ્યમંત્રી છે. તેમ છતાં, તેમણે સ્થાનિક ભાજપ નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. અજિત પવારે આરોપ લગાવ્યો કે, રાજ્ય અને કેન્દ્રમાં સરકાર હોવા છતાં અને પૂરતું ભંડોળ મળ્યું હોવા છતાં, ભાજપે પુણે અને પિંપરી ચિંચવડના વિકાસને રુંધી નાખ્યો છે. તેમણે યાદ અપાવ્યું કે 2017થી 2022 સુધી બંને નગર નિગમોમાં ભાજપની સત્તા હતી, છતાં કામગીરી નબળી રહી છે.
ચૂંટણી ઢંઢેરાના 4 મોટા વચનો
બંને પક્ષોએ સાથે મળીને પુણેવાસીઓ માટે લોભામણા વચનો આપ્યા છે
ટ્રાફિક મુક્તિ: શહેરમાં ગુમ થયેલા 33 રોડ લિંક્સને જોડીને અને મુખ્ય રસ્તાઓને પહોળા કરીને ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવામાં આવશે.
મફત મુસાફરી: બસો અને મેટ્રોમાં નાગરિકો માટે મફત મુસાફરીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય સુવિધા: દરેક નાગરિકને ઘરની નજીક સારવાર મળી રહે તે માટે 2 કિલોમીટરના દાયરામાં હોસ્પિટલ બનાવવાનું વચન અપાયું છે.
ટેક્સમાં રાહત: જે હાઉસિંગ સોસાયટીઓ પર્યાવરણને બચાવવા માટે કામ કરશે (ઇકો-ફ્રેન્ડલી ઉપાયો), તેમને ગ્રીન સોસાયટી નું સર્ટિફિકેટ મળશે અને પ્રોપર્ટી ટેક્સમાં સીધી 20% ની રાહત આપવામાં આવશે.
આ ઘટનાક્રમ દર્શાવે છે કે રાજ્ય અને કેન્દ્ર લેવલે ભલે વિચારધારાઓ અલગ હોય, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પવાર પાવર ફરી એક થતો જોવા મળી રહ્યો છે. આ નવી એકતા ચૂંટણી પરિણામો પર શું અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.











