અમદાવાદમાં નવરાત્રિમાં વાહનોનું ધૂમ વેચાણ, ટુ વ્હીલર સૌથી વધુ વેચાયા

ઓટો ડીલર્સને નવરાત્રિ ફળી હતી. આરટીઓમાં રજિસ્ટ્રેશન બમણું નોંધાયું હતું. તહેવારોની આ ખુશી વચ્ચે અમદાવાદમાં વાહનોની ખરીદીનો પણ-ધમધમાટ જોવા મળી રહ્યો છે

ઓટો ડીલર્સને નવરાત્રિ ફળી હતી. આરટીઓમાં રજિસ્ટ્રેશન બમણું નોંધાયું હતું. તહેવારોની આ ખુશી વચ્ચે અમદાવાદમાં વાહનોની ખરીદીનો પણ-ધમધમાટ જોવા મળી રહ્યો છે. દશેરાના દિવસે નવી કાર કે બાઈકની ડિલિવરી મેળવવા માટે લોકોએ અગાઉથી બુકિંગ કરાવી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરાવી દીધી છે. પરિણામે, સુભાષબ્રિજ RTOમાં નવરાત્રિ દરમિયાન વાહનોના રજિસ્ટ્રેશનનો આંકડો સામાન્ય કરતાં બમણો થઈને 7,000ને પાર કરી ગયો. છે. બીજી તરફ, દશેરાના દિવસે HSRP નંબર પ્લેટ લગાવ્યા વિના વાહનોની ડિલિવરી આપતા ડીલરો સામે કાર્યવાહી કરવા RTOએ પણ કમર કસી છે.

 

સુભાષબ્રિજ RTOના સૂત્રોએ જણાવ્યું હતું કે, દશેરાના દિવસે નવા બાઇક કે કારની ડિલિવરી સમયસર મળી રહે એ હેતુથી નવરાત્રિના દિવસોમાં જ સંખ્યાબંધ વાહનોનાં રજિસ્ટ્રેશન થયા છે. સામાન્ય રીતે સુભાષબ્રિજ RTOમાં એક અઠવાડિયામાં લગભગ 3,500 વાહનોનાં રજિસ્ટ્રેશન થતા હોય છે. પરંતુ આ વર્ષે નવરાત્રિ દરમિયાન જ 7,000થી પણ વધુ વાહનોનાં રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, એટલે કે નવરાત્રિ દરમિયાન સામાન્ય દિવસો કરતા ડબલ વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે.

માત્ર સુભાષબ્રિજ જ નહીં, વસ્ત્રાલ અને બાવળા RTOમાં પણ નવરાત્રિ દરમિયાન વાહનોના રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દશેરાના દિવસે ડિલિવરી મેળવી શકાય તે માટે આ બંને RTOમાં પણ સામાન્ય સમયગાળાની સરખામણીમાં વાહનોનું રજિસ્ટ્રેશન લગભગ બમણું થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નોંધાતા વાહનો પર આશરે 2.5 ટકા કોર્પોરેશન ટેક્સ લાગતો હોવાથી રૂ. 50 લાખ કે તેથી વધુ કિંમતની કેટલીક લક્ઝુરિયસ કારનું રજિસ્ટ્રેશન સુભાષબ્રિજ અને વસ્ત્રાલને બદલે બાવળા RTOમાં કરાવાતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ટુ-વ્હીલરની ખરીદીનો ઉત્સાહ સૌથી વધુ

સુભાષબ્રિજ RTOમાં નવરાત્રિના એક અઠવાડિયા દરમિયાન નોંધાયેલા 7,000થી વધુ વાહનોમાં અંદાજે 75 ટકા ટુ-વ્હીલર અને 25 ટકા કારનો સમાવેશ થાય છે. એટલે કે તહેવારોમાં ટુ-વ્હીલરની ખરીદીનો ઉત્સાહ સૌથી વધુ જોવા મળ્યો છે. ઇલેક્ટ્રિક વાહનોના વધતા આકર્ષણની ઝલક પણ આ આંકડામાં જોવા મળે છે. નોંધાયેલા ટુ-વ્હીલરમાંથી 15 ટકા ઇલેક્ટ્રિક વાહનો છે, જ્યારે રજિસ્ટ્રેશન થયેલી કારમાંથી 30 ટકા ઇલેક્ટ્રિક કાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આમ, તહેવારોની ખરીદીમાં પરંપરાગત પેટ્રોલ-ડીઝલ વાહનોની સાથે EV પણ પોતાની જગ્યા બનાવી રહ્યા છે.

 

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!