અમદાવાદના ટેક્સી ડ્રાઈવર પર અડાલજમાં જીવલેણ હુમલો, તું પાટણનો છે? કહીને જૂની અદાવતમાં 4 ગુંડાઓએ ધોળા દિવસે માર્યો માર, ગાડીના કાચ તોડ્યા

અમદાવાદના 25 વર્ષીય ઓનલાઈન ટેક્સી ડ્રાઈવર પર ગાંધીનગરના અડાલજમાં જૂની અદાવત રાખીને જીવલેણ હુમલો કરાયો. 4 શખ્સોએ લાકડીઓ વડે માર મારી કારના કાચ તોડી નાખ્યા. જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસની વિગતો.

ગાંધીનગર, રવિવાર
અમદાવાદમાં રહીને ઓનલાઈન ટેક્સી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક 25 વર્ષીય યુવક પર જૂની અદાવતમાં જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં બપોરના સમયે ચાર જેટલા શખ્સોએ ડ્રાઈવરને લાકડીઓ વડે ઢોર માર માર્યો અને તેની ગાડીમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પેસેન્જરને ઉતારી નવી ટ્રિપની રાહ જોવી ભારે પડી
મળતી માહિતી મુજબ મૂળ પાટણ જિલ્લાના નાંણા ગામનો વતની અને હાલ અમદાવાદના કઠવાડા રોડ પર આવેલ સયાજી સમૃદ્ધિ ફ્લેટમાં રહેતો 25 વર્ષીય વિપુલ મેલાભાઇ પરમાર પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી તરીકે ચલાવે છે.

ગઈકાલે બપોરે, વિપુલે અમદાવાદથી એક પેસેન્જરને અડાલજ જવા માટે તેની કારમાં બેસાડ્યો હતો. પેસેન્જરને જમીયતપુરા ગામ સામે આવેલા પ્રભા હનુમાન મંદિર પાસે ઉતાર્યા બાદ, તે હાઇવેથી દાદા નગર તરફ જતા રોડ પર પોતાની ગાડી પાર્ક કરીને આગામી ઓનલાઈન ટ્રિપની રાહ જોઈ રહ્યો હતો.

‘તું પાટણનો છે?’ કહીને અચાનક હુમલો કર્યો
વિપુલ કઈ સમજે તે પહેલાં જ, 25થી 30 વર્ષની ઉંમરના બે અજાણ્યા શખ્સો હાથમાં લાકડીઓ લઈને તેની ગાડી પાસે ધસી આવ્યા હતા. આવતાની સાથે જ તેમણે ગાડીની ચાવી કાઢી લીધી અને વિપુલને પૂછ્યું, “તું ક્યાંનો છે? તારું ગામ નાંણાગામ, પાટણનો છે?” આટલું કહીને બંનેએ લાકડીઓ વડે વિપુલ પર હુમલો શરૂ કરી દીધો અને ગાડીના કાચ પર પણ લાકડીઓ મારી તોડફોડ કરી હતી.

પરિચિત શખ્સે જ માથામાં લાકડી મારી
આ હુમલા દરમિયાન, વિપુલની જ સોસાયટીમાં રહેતો જીગર છગનભાઇ રબારી અને તેની સાથે અન્ય એક અજાણ્યો શખ્સ પણ લાકડીઓ લઈને ત્યાં પહોંચી ગયા હતા. જીગર રબારીએ વિપુલના માથાના ભાગે લાકડીનો જોરદાર ફટકો મારી જીવલેણ હુમલો કર્યો હતો, જ્યારે તેની સાથે આવેલા ચોથા શખ્સે વિપુલના હાથ અને પગ પર લાકડીઓ વરસાવી હતી.

જાતિ વિષયક અપશબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી
હુમલાખોરોએ વિપુલને જાતિ વિષયક અપશબ્દો અને ગાળો બોલીને કહ્યું, “અમારી સામે પડે છે? આજ પછી અમારી સામે પડીશ તો જાનથી મારી નાખીશું,” તેવી ધમકી આપીને પોતાની ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા.

આ હુમલામાં વિપુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનો આઈફોન મોબાઈલ પણ તૂટી ગયો હતો. જે બાદ તેણે ત્યાંથી પસાર થતા એક રાહદારીની મદદ માંગી અને તેના ફોન પરથી પોતાના પિતાને જાણ કરી હતી તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર કોલ કરીને પોલીસ અને મેડિકલ મદદ માંગી હતી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!