ગાંધીનગરના દહેગામમાં પૂર્વ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ગીરાબેન વ્યાસ વિરુદ્ધ નકલી CCC સર્ટિફિકેટ રજૂ કરી ઉચ્ચતર પગાર ધોરણ મેળવી સરકાર સાથે નાણાકીય છેતરપિંડી કરવા બદલ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. જાણો સમગ્ર મામલો.

ગાંધીનગર, રવિવાર
સરકારી વિભાગમાં નોકરી મેળવવા અને પ્રમોશન માટે લોકો કેવા કેવા રસ્તા અપનાવતા હોય છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ ગાંધીનગરમાં સામે આવ્યું છે. દહેગામ તાલુકા આરોગ્ય કચેરીમાં ફરજ બજાવતા એક પૂર્વ ફિમેલ હેલ્થ સુપરવાઇઝરે નકલી કમ્પ્યુટર સર્ટિફિકેટના આધારે વર્ષો સુધી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવીને સરકારી તિજોરીને ચુનો લગાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે હાલના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, ગીરાબેન ધીરજકુમાર વ્યાસ, જેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાલુન્દ્રા ખાતે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા, તેમણે ગત 31 ડિસેમ્બર 2023 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. પરંતુ, તેમની નિવૃત્તિ બાદ એક ચોંકાવનારી હકીકત સામે આવી.
વર્ષો પહેલા, બીજું ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે, ગીરાબેન વ્યાસે 17 ફેબ્રુઆરી 2014 ના રોજ તાલુકા આરોગ્ય કચેરી, સેક્ટર 16, ગાંધીનગર ખાતે પોતાનું કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ્સ નું સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું. આ સર્ટિફિકેટના આધારે તેમને ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર પણ કરી દેવામાં આવ્યું હતું અને તેઓ વર્ષો સુધી તેનો નાણાકીય લાભ લેતા રહ્યા.
આ રીતે ફૂટ્યો ભાંડો
સમય જતાં, જ્યારે વિભાગીય સ્તરે ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી, ત્યારે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો. ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ, ગાંધીનગરના ટેકનિકલ અધિકારીએ તેમના 23/8/2023ના પત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું કે ગીરાબેન વ્યાસ દ્વારા રજૂ કરવામાં આવેલું CCC સર્ટિફિકેટ સંપૂર્ણપણે ખોટું અને બનાવટી છે. આ પત્રના આધારે આરોગ્ય વિભાગના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
જાણ હોવા છતાં કરી છેતરપિંડી
દહેગામના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર, ડો. અંકિતા મનોજભાઇ લીંબાત દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, ગીરાબેન વ્યાસને પોતે રજૂ કરેલું સર્ટિફિકેટ ખોટું હોવાની સંપૂર્ણ જાણકારી હતી. તેમ છતાં, તેમણે જાણીજોઈને આ બનાવટી સર્ટિફિકેટને અસલી તરીકે ઉપયોગ કરી સરકાર પાસેથી નાણાકીય લાભ મેળવી વિભાગ સાથે ગંભીર છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
પોલીસે નોંધી ફરિયાદ
આ મામલો સામે આવ્યા બાદ, સૌ પ્રથમ દહેગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, જ્યાંથી કેસની ગંભીરતાને જોતા તેને સેક્ટર-21 પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જરૂરી ખાતાકીય તપાસ અને પુરાવા એકત્ર કર્યા બાદ, ડો. અંકિતા લીંબાતે ગીરાબેન ધીરજકુમાર વ્યાસ (રહે. એ-601, સિલિકોન હાઇટ્સ, નાના ચિલોડા, અમદાવાદ) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આગામી સમયમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.











