અમદાવાદના પાલડી સ્થિત જૈન દેરાસરમાંથી 1.64 કરોડના 117 કિલોથી વધુ ચાંદીના આભૂષણોની ચોરીનો મામલો. પોલીસે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા. વાંચો ચોરીની આખી મોડસ ઓપરેન્ડી.

અમદાવાદ, સોમવાર
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ-વસુપુજ્ય જૈન દેરાસરમાં થયેલી ચાંદીના આભૂષણોની ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી એવા દેરાસરના પૂજારી સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે. ચોરી થયેલા સામાનની કિંમત લગભગ 1.64 કરોડ જેટલી આંકવામાં આવી છે.
પૂજારી સહિત પાંચ લોકોની ધરપકડ
લક્ષ્મીવર્ધક જૈન દેરાસર ચોરી પ્રકરણમાં શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના જિલ્લા સચિવ રાજેશ ચંપકલાલ શાહની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મુખ્યત્વે દેરાસરનો પૂજારી મેહુલ રાઠોડ અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી કિરણ અને તેની પત્ની હેતલ ઉર્ફે પુરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોરીના માલનો નિકાલ કરનારા બે વેપારી – રોનક શાહ અને સંજય જાગરિયા – ને પણ પોલીસે ઝડપી પાડ્યા છે.
ટુકડે-ટુકડે 117 કિલોગ્રામથી વધુ ચાંદીની ચોરી
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી મેહુલ રાઠોડ છેલ્લા 15 વર્ષથી દેરાસરમાં પૂજારી તરીકે કામ કરતો હતો. છેલ્લા આશરે અઢી વર્ષ, એટલે કે 27 જુલાઈ 2023થી 8 ઓક્ટોબર 2025ના સમયગાળા દરમિયાન, પૂજારીએ ટુકડે-ટુકડે 117 કિલોગ્રામથી વધુ ચાંદીની ચોરી કરી હતી.
ચોરી કરેલા ચાંદીની ઓળખ ના થાય તે માટે અને તેનો વહીવટ કરવા માટે, મેહુલ રાઠોડ આ ચાંદી રોનક શાહ અને સંજય જાગરિયા નામના વેપારીઓને વેચતો હતો. આ વેપારીઓ ચોરીના ચાંદીને ગાળી નાખીને તેને નવા ચાંદીમાં ફેરવી દેતા હતા.
આ રીતે આચર્યો હતો ગુનો
ચોરીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે દેરાસરના ભોંયરામાં (બેઝમેન્ટ) આવેલી મૂર્તિની પાછળ ચાંદીનું જડતર મૂકવામાં આવ્યું હતું, જેની ચાવી ફક્ત પૂજારી મેહુલ પાસે જ રહેતી હતી. પૂજારી મેહુલ રાઠોડ કટરનો ઉપયોગ કરીને ચાંદીના જડતરના ટુકડા કાપી નાખતો. ત્યારબાદ તે આ ચોરી કરેલું ચાંદી સફાઈ કર્મચારી કિરણ અને હેતલ મારફતે મંદિરની બહાર પહોંચાડતો. અંતે, પૂજારી મેહુલ આ ચાંદી રોનક અને સંજય નામના વેપારીઓને વેચી દેતો અને મળેલા પૈસાનો ઉપયોગ તે ફરી નવું ચાંદી ખરીદવામાં કરતો.
સમગ્ર મામલે પોલીસે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી, 79 હજાર રોકડા અને એક બોલેરો પીકઅપ વાહન જપ્ત કર્યું છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. નિયમિત તપાસ દરમિયાન દેરાસરના લોકરમાંથી ચાંદીના કિંમતી શણગાર અને મૂર્તિના આભૂષણો ગુમ થયા હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેના આધારે ફરિયાદ નોંધાઈ હતી.











