મહાસાગરોની સ્થિતિ વધુ ખરાબ, એસિડિટીના વધતા સ્તરે દરિયાકાંઠાના જીવનને જોખમમાં મૂક્યું

અમદાવાદ, સોમવાર : આપણા જીવનમાં મહાસાગરોનું મહત્વ ખૂબ જ ઊંડું છે, અને તેમની બદલાતી ગતિવિધિઓ વાતાવરણ પર ગંભીર અસર કરે છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક મોટી ચેતવણી આપી છે કે, સમુદ્રની સ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે, કારણ કે તેનું એસિડિટી લેવલ સતત વધી રહ્યું છે. આના કારણે ખાસ કરીને દરિયાકિનારે રહેતા લોકોના જીવન પર મોટો ખતરો ઊભો થયો છે.
એસિડિફિકેશનનું કારણ: ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને CO2 ઉત્સર્જન
વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી એક નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે, અશ્મિભૂત ઇંધણ બાળવા જેવી ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ મહાસાગરોને એસિડિક બનાવી રહ્યો છે. ગ્લોબલ ચેન્જ બાયોલોજી જર્નલમાં પબ્લિશ થયેલા એક રિસર્ચમાં દર્શાવવામાં આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં એસિડિફિકેશનનો દર ઘણો વધ્યો છે. અગાઉના રિસર્ચમાં પણ એવું જણાયું હતું કે પૃથ્વીના મહાસાગરો એસિડિફિકેશન માટેના જોખમી ક્ષેત્રની નજીક પહોંચી રહ્યા છે.
કેવી રીતે થાય છે એસિડિફિકેશન?
રિપોર્ટ મુજબ, એસિડિફિકેશન મુખ્યત્વે સમુદ્રમાં વધારાના CO2ના શોષણને કારણે થાય છે. જ્યારે CO2 દરિયાઈ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે તે કાર્બોનિક એસિડ બનાવે છે. આનાથી પાણીનું pH સ્તર (pH Level) ઘટે છે અને મહત્વપૂર્ણ કાર્બોનેટ આયનો પર હુમલો થાય છે. આ પ્રક્રિયા ખાસ કરીને કોરલ અને શેલફિશ જેવી જળચર પ્રજાતિઓ માટે જોખમી છે, કારણ કે તેઓ તેમના શેલ અને હાડપિંજર બનાવવા માટે કેલ્શિયમ કાર્બોનેટ પર નિર્ભર હોય છે.
ઘાતક પરિણામો અને ભવિષ્યની અસર
વૈજ્ઞાનિકોએ અગાઉ પણ આશંકા વ્યક્ત કરી હતી કે મહાસાગરનું એસિડિફિકેશન ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. તે સ્વસ્થ અને સ્થિર પર્યાવરણ જાળવવાની મર્યાદાને પણ વટાવી ગયું છે. તેની અસર ખૂબ જ ઘાતક હોઈ શકે છે. મહાસાગરો પર નિર્ભર લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા પર તેની સીધી અસર પડશે. આ ઉપરાંત, તે તેમની લાઇફ સ્ટાઇલ અને ખાદ્ય પદાર્થોને પણ પ્રભાવિત કરી શકે છે. આગામી દિવસોમાં પણ આમાં વધારો જોવા મળી શકે છે, જે ચિંતાનો વિષય છે.











