ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા ૨૦૨૬’ શરૂ કરાઈ છે, જેમાં ૨૦ હજાર સ્ટીલ બોટલ વિતરણ અને પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનનું લક્ષ્ય છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા ૨૦૨૬’ નો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો છે. અંબાજી પદયાત્રાના માર્ગ પર સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા, ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા તેમજ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી સતત ચલાવવામાં આવી રહ્યું છે.
અભિયાનના મુખ્ય લક્ષ્યો અને આયોજન
-
બોટલ વિતરણ અને સંગ્રહ: આ યાત્રા અંતર્ગત ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે ૨૦ હજાર સ્ટીલની બોટલનું વિતરણ કરવામાં આવશે, જેથી પ્લાસ્ટિકના વપરાશને ઘટાડી શકાય અને ૨ લાખ પ્લાસ્ટિક બોટલોના સંગ્રહ કરવાનું મોટું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
-
ફ્લેગ ઓફ સેરેમની: રાજ્યના મંત્રીશ્રીઓ અને અગ્રણી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી ફ્લેગ ઓફ સેરેમની દ્વારા આ પર્યાવરણ અભિયાનને સત્તાવાર રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું સંબોધન
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ગુજરાતમાં તેમના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે આપણે આ સ્વચ્છ પર્યાવરણનો દ્રઢ સંકલ્પ લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, “માતાજીના દર્શને આપણે શ્રદ્ધાથી જઈએ છીએ, ત્યારે ધરતીમાતા પ્રત્યેની આપણી જવાબદારી પણ ભૂલવી ન જોઈએ. આપણે પ્રકૃતિને પૂજનારા લોકો છીએ, તેથી વડીલોએ બાળપણથી જ બાળકોને સ્વચ્છતાના સંસ્કાર આપવા જોઈએ.”











