સંધિવાના કેસોમાં ચિંતાજનક વધારો: હવે 40 વર્ષથી ઓછી વયના યુવાનો પણ આર્થરાઇટિસનો શિકાર. જાણો બેઠાડુ જીવન, મેદસ્વિતા અને મેનોપોઝ સંધિવા માટે કેવી રીતે જવાબદાર છે અને મહિલાઓમાં કેસ 3 ગણા વધારે કેમ છે.

અમદાવાદ, મંગળવાર
એક સમય હતો જ્યારે સંધિવા એટલે મોટી ઉંમરના લોકોનો રોગ ગણાતો હતો, પણ હવે ચિત્ર બદલાઈ ગયું છે. દેશમાં સંધિવાના કેસ જે ઝડપથી વધી રહ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય છે. હાલમાં પ્રત્યેક 5 વ્યક્તિઓમાંથી 1 વ્યક્તિ આર્થરાઇટિસની સમસ્યાથી પીડાય છે. માત્ર ભારતમાં જ દર વર્ષે 10 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જે વાત સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે એ છે કે, હવે 40 વર્ષથી ઓછી વયના યુવાનોમાં પણ સંધિવાના કેસો સતત વધી રહ્યા છે. આ દર્શાવે છે કે આપણી જીવનશૈલીમાં કંઈક ખોટું થઈ રહ્યું છે.
શું છે સંધિવા અને તેના મુખ્ય લક્ષણો?
સંધિવા એટલે સાંધાનો દુખાવો, પણ આ માત્ર દુખાવો નથી. સરળ શબ્દોમાં કહીએ તો, તે એક તીવ્ર જડતા સાથે સાંધાનો દુખાવો છે, જે તમારા પગને ખસેડવાનું મુશ્કેલ અને પીડાદાયક બનાવી દે છે.
સંધિવાના મુખ્ય લક્ષણો
સાંધામાં દુખાવો: સૌથી સામાન્ય લક્ષણ.
સાંધામાં જડતા: ખાસ કરીને સવારે કે આરામ પછી જડતા અનુભવવી.
સોજો: અસરગ્રસ્ત સાંધા પર સોજો આવવો.
જો આ લક્ષણો લાંબા સમય સુધી રહે તો તેની સારવાર કરવી ખૂબ જરૂરી છે. સારવાર ન કરવાથી સાંધામાં કાયમી ફેરફાર થઈ શકે છે, જે તમારી ગતિશીલતાને ગંભીર અસર કરી શકે છે.
યુવાનોમાં સંધિવાના વધતા કેસ પાછળ કોણ જવાબદાર?
પહેલા આયુષ્ય વધવાની સાથે હાડકામાં ઘસારો થવાથી સંધિવા થતો હતો, પણ યુવાનોમાં વધતા કેસ માટે આપણા કેટલાક ‘આધુનિક’ પરિબળો જવાબદાર છે:
બેઠાડુ જીવનશૈલી: કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું અને કસરતનો અભાવ.
સ્થૂળતા અને મેદસ્વિતા: શરીરનું વજન વધવાથી સાંધાઓ પર, ખાસ કરીને ઘૂંટણ પર, વધારે પડતું દબાણ આવે છે.
અનિયમિત અને ફાસ્ટફૂડ આધારિત આહાર: જંક ફૂડનું વધુ પડતું સેવન.
આનુવંશિકતા: જો પરિવારમાં કોઈને સંધિવા હોય, તો જોખમ વધી જાય છે.
ખાસ નોંધ: ડૉક્ટરો ચેતવે છે કે હાઈ હીલ વાળા ફૂટવેર ફેશનનો ભાગ ભલે હોય, પણ તે સંધિવાનું કારણ બની શકે છે. તેને લાંબા સમય સુધી પહેરવાથી ઘૂંટણ અને નિતંબ પર વધારે પડતું દબાણ આવે છે, જે આગળ જતાં સમસ્યા સર્જી શકે છે. જો તમને હાઈ હીલ પહેરવાથી સહેજ પણ તકલીફ પડતી હોય તો તેને ટાળવું જ સમજદારીભર્યું છે.
પુરુષો કરતાં મહિલાઓમાં 3 ગણું વધુ પ્રમાણ કેમ?
આર્થરાઇટિસના આંકડા જોઈએ તો પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ સમસ્યા 3 ગણી વધારે જોવા મળે છે. આ તફાવત માટે કેટલાક જૈવિક (Biological) કારણો જવાબદાર છે:
એસ્ટ્રોજનનું સ્તર: મેનોપોઝ પછી મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઘટી જાય છે. એસ્ટ્રોજન શરીરમાં સોજા સામે લડવામાં મદદરૂપ છે. આ સ્તર ઘટતાં સંધિવાનું જોખમ વધી જાય છે.
વધારે લવચીક સાંધા: મહિલાઓના સાંધા પુરુષો કરતાં કુદરતી રીતે વધારે લવચીક હોય છે, જે અમુક પ્રકારના સાંધાના ઘસારા માટે વધુ સંવેદનશીલ બનાવે છે.
સચોટ ઉપાયો
સંધિવા ન થાય તે માટે જીવનશૈલીમાં તાત્કાલિક ફેરફાર જરૂરી છે.
નિયમિત કસરત/વોકિંગ: તમારા સાંધાઓને ગતિશીલ રાખો.
વજન નિયંત્રણ: સ્થૂળતા ટાળો, વજન કાબૂમાં રાખવું એ શ્રેષ્ઠ દવા છે.
સંતુલિત આહાર: ફાસ્ટફૂડ, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો.
યોગ્ય ફૂટવેર: આરામદાયક અને ફ્લેટ ફૂટવેરનો ઉપયોગ કરો.











