અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જાહેર રસ્તા પરથી દબાણો દૂર કરવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જાહેર રસ્તા પરથી દબાણો દૂર કરવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન શાકભાજીના વેપારીઓ સહિતના લોકો ઉશ્કેરાયા હતા. ત્યારબાદ ટોળાએ AMCના કર્મચારીઓ અને પોલીસ પર ઈંટો તથા લાકડીઓ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને માથાના ભાગે ઈજા પહોંચી છે.આ મામલે બાપુનગર પોલીસે કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
સાંજે 5:30 વાગ્યે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ
મળતી માહિતી મુજબ, 26 નવેમ્બર, ગુરુવારે સાંજે આશરે 5:30 વાગ્યે AMCના એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે બાપુનગર ચાર રસ્તા પાસે આવેલી શાક માર્કેટમાં પહોંચી હતી.
જાહેર રોડ પરના દબાણો દૂર કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, કામગીરી શરૂ થતાં જ ત્યાં હાજર શાકભાજીના વેપારીઓ અને અન્ય લોકો સાથે ઘર્ષણ સર્જાયું હતું. ટોળાએ અધિકારીઓને કામગીરી કરતાં અટકાવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ઈંટો અને લાકડીઓ વડે હુમલો, મહિલા કોન્સ્ટેબલને ઈજા
ઘર્ષણ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ AMCની એસ્ટેટ ટીમ અને પોલીસ કર્મચારીઓ પર છૂટી ઈંટો તથા લાકડીઓ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
આ દરમિયાન એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેણુકાબેન કાંતિભાઈને કપાળના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે. ઈજાને કારણે તેમને લોહી નીકળ્યું હતું.
6 નામજોગ સહિત 11 લોકો સામે ફરિયાદ
આ સમગ્ર મામલે AMCના બાપુનગર વોર્ડના એસ્ટેટ ઈન્સ્પેક્ટર અભિષેક ડામોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે છ નામજોગ અને પાંચ અજાણ્યા સહિત કુલ 11 લોકો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓ સામે સરકારી કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી કરવા અને હુમલા સંબંધિત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સરકારી કર્મચારીઓ અને પોલીસ પર થયેલા આ હુમલાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે.









