અમેરિકાની ફ્લાઇટ હાઈજેક કરવાનો પ્રયાસ! હવામાં જ ઈમરજન્સી દરવાજો ખોલવા લાગ્યો મુસાફર, મુસાફરોની બહાદુરીથી ટળ્યું મોટું સંકટ

અમેરિકામાં સાન ડિયાગોથી શિકાગો જઈ રહેલી અમેરિકન એરલાઈન્સની ફ્લાઇટમાં ચોંકાવનારી ઘટના બની છે. ઉડાન દરમિયાન એક મુસાફરે વિમાનનો ઇમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં અફરાતફરી મચી ગઈ હતી

અમેરિકામાં સાન ડિયાગોથી શિકાગો જઈ રહેલી અમેરિકન એરલાઈન્સની ફ્લાઇટમાં ચોંકાવનારી ઘટના બની છે. ઉડાન દરમિયાન એક મુસાફરે વિમાનનો ઇમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં વિમાનને ફીનિક્સ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. જોકે, ક્રૂ મેમ્બર્સ અને અન્ય મુસાફરોએ હિંમત બતાવીને શખ્સને કાબૂમાં લીધો હતો. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત છે.

હવામાં જ ઇમરજન્સી દરવાજા સાથે ચેડાં

આ ઘટના 25 નવેમ્બર 2026ના રોજ અમેરિકન એરલાઈન્સની ફ્લાઇટ AA1494માં બની હતી. આ વિમાન સાન ડિયાગોથી શિકાગો જઈ રહ્યું હતું. દરમિયાન એક મુસાફર અચાનક પોતાની સીટ પરથી ઊભો થઈને વિમાનના આગળના ભાગ તરફ જવા લાગ્યો હતો.

ક્રૂ મેમ્બર્સે તેને વારંવાર સીટ પર પાછા બેસવા સૂચના આપી હતી. જોકે, તે સૂચનાઓનું પાલન કરવાને બદલે ઇમરજન્સી દરવાજા સાથે ચેડાં કરવા લાગ્યો હતો. આથી વિમાનમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે શખ્સને પકડી લીધો

પરિસ્થિતિની ગંભીરતા જોઈને ક્રૂ મેમ્બર્સ અને કેટલાક મુસાફરો આગળ આવ્યા હતા. બધાએ ભેગા મળીને શખ્સને કાબૂમાં લીધો હતો. વિમાન સુરક્ષિત રીતે જમીન પર ઉતરે ત્યાં સુધી તેને પકડી રાખવામાં આવ્યો હતો.

ફીનિક્સ પોલીસના જણાવ્યા અનુસાર, વિમાનને સ્થાનિક સમય પ્રમાણે રાત્રે આશરે 1 વાગ્યે ફીનિક્સ સ્કાય હાર્બર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું.

FAA અને FBI દ્વારા તપાસ

વિમાનના સુરક્ષિત ઉતરાણ બાદ પોલીસ અધિકારીઓએ શખ્સને કસ્ટડીમાં લીધો હતો. ઘટનામાં તેને સામાન્ય ઈજા થઈ હતી અને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અન્ય કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી.

અમેરિકન એરલાઈન્સે જણાવ્યું હતું કે મુસાફરની અયોગ્ય વર્તણૂકને કારણે ફ્લાઇટને ફીનિક્સ તરફ વાળવામાં આવી હતી. લેન્ડિંગ બાદ કાયદા અમલીકરણ અધિકારીઓએ કાર્યવાહી કરી હતી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ફ્લાઇટ શિકાગો તરફ આગળ વધી હતી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. FBIને પણ જાણ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી આ મુસાફર સામે કયા ગુના હેઠળ કાર્યવાહી થશે તે અંગે સત્તાવાર માહિતી જાહેર થઈ નથી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!