ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત સંબંધ ધરાવતા આસામના એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુજરાતમાં આતંકવાદી કાવતરાની આશંકા વચ્ચે ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત સંબંધ ધરાવતા આસામના એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી AK-47 જેવી ઓટોમેટિક રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા છે.
ATSના જણાવ્યા મુજબ, આરોપી વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાની તૈયારીમાં હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આસામના યુવકની ATSએ કરી ધરપકડ
પકડાયેલા યુવકની ઓળખ મોહમ્મદ સહારુલ ઇસ્લામ કબીરુદ્દીન તરીકે થઈ છે. તે આસામના કરીમગંજનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATSને બાતમી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણ ધરાવતો એક શખસ ઓટોમેટિક હથિયાર સાથે ગુજરાતમાં પ્રવેશવાનો છે. આ માહિતીના આધારે ATSએ ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય ગુપ્ત માહિતીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.
આરોપી દાહોદ તરફથી વડોદરા આવી રહ્યો હોવાની માહિતી મળતાં હલોલ-વડોદરા રોડ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
AK-47 જેવી રાઇફલ અને 23 કારતૂસ જપ્ત
ATSએ આરોપીની તપાસ દરમિયાન એક ઓટોમેટિક રાઇફલ, 23 જીવતા કારતૂસ, બે ખાલી કારતૂસ, જૈશ-એ-મોહમ્મદનો ધ્વજ, મોબાઇલ ફોન અને સિમકાર્ડ કબજે કર્યા છે.
હથિયાર ખરેખર AK-47 છે કે તેના જેવી અન્ય રાઇફલ છે, તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. આરોપીના મોબાઇલ ફોનમાંથી વડોદરા એરફોર્સ સ્ટેશનના પ્રવેશદ્વારના ફોટા અને વીડિયો પણ મળ્યાનું ATSએ જણાવ્યું છે.
પાકિસ્તાનના હેન્ડલર સાથે સંપર્ક હોવાનો ખુલાસો
પ્રાથમિક તપાસમાં આરોપી પાકિસ્તાન સ્થિત જૈશના હેન્ડલર મુફ્તિ રફીક ઉર્ફે ઇબ્ન અબ્દુલ્લાહના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે.
ATSના જણાવ્યા મુજબ, આ હેન્ડલરે આરોપીને મોબાઇલ ખરીદવા, મુસાફરી અને હોટલમાં રોકાણ સહિતના ખર્ચ માટે 50 હજાર રૂપિયા આપ્યા હોવાની આશંકા છે.
આરોપીએ આસામથી ટ્રેન મારફતે ભોપાલ અને ત્યારબાદ બસ દ્વારા વડોદરા પહોંચ્યાનું તપાસમાં સામે આવ્યું છે. વડોદરા એરફોર્સ સ્ટેશનની રેકી કર્યા બાદ તે દાહોદ તરફ ગયો હતો, જ્યાંથી હથિયાર મેળવ્યાની આશંકા છે.
વાઘોડિયા કોર્ટમાંથી 14 દિવસના રિમાન્ડ મંજૂર
ધરપકડ બાદ આરોપીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ATSએ કાવતરાની ઊંડાણપૂર્વક તપાસ, હથિયારના સ્ત્રોત અને અન્ય સંભવિત સંપર્કોની વિગતો મેળવવા રિમાન્ડની માગણી કરી હતી.
અહેવાલો મુજબ, કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ATS આરોપીના મોબાઇલ ડેટા, વોટ્સએપ ચેટ, નાણાકીય વ્યવહારો અને અન્ય સંપર્કોની તપાસ કરશે.
UAPA સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
આરોપી સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ATS હવે આ કથિત કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, હથિયાર ક્યાંથી આવ્યું અને પાકિસ્તાન સ્થિત હેન્ડલર સાથેના સંપર્કોની પાછળ કેટલું મોટું નેટવર્ક છે તેની તપાસ કરી રહી છે.









