અમેરિકાની USCIS સંસ્થાએ વિઝા અને ઇમિગ્રેશન અરજી માટે ફોટોગ્રાફના નિયમો વધુ કડક બનાવ્યા છે. જાણો હવે કેટલો જૂનો ફોટો માન્ય ગણાશે અને કઈ ભૂલના કારણે તમારી અરજી તરત જ રદ થઈ શકે છે.

નવી દિલ્હી, સોમવાર
જો તમે અમેરિકા જવા માટે વિઝા, ગ્રીન કાર્ડ કે અન્ય કોઈ ઇમિગ્રેશન અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. અમેરિકી સરકારે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન અરજીમાં વપરાતા ફોટોગ્રાફ માટેના નિયમોમાં મોટો અને કડક ફેરફાર કર્યો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ, હવે અરજીમાં જૂનો ફોટોગ્રાફ સ્વીકારવામાં આવશે નહીં.
કેટલો જૂનો ફોટો ચાલશે?
USCIS એ સ્પષ્ટ કર્યું છે કે જો અરજીમાં લગાવેલો ફોટો 3 વર્ષ (36 મહિના) કરતાં વધુ જૂનો હશે, તો અરજી કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર સીધી જ રદ કરી દેવામાં આવશે. આટલું જ નહીં, જો તમે જાતે પાડેલો સેલ્ફી કે સામાન્ય ફોટો અપલોડ કરશો, તો તે પણ અમાન્ય ગણાશે. હવેથી માત્ર USCIS અથવા તેના દ્વારા અધિકૃત સેવા કેન્દ્રો પર લેવામાં આવેલી તસવીરો જ માન્ય રહેશે.
પહેલા શું નિયમ હતો?
કોરોના મહામારી દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓને કારણે નિયમોમાં થોડી ઢીલ આપવામાં આવી હતી. તે સમયે, અમુક કેસમાં 10 વર્ષ જૂનો ફોટો પણ માન્ય ગણાતો હતો, ખાસ કરીને એવી અરજીઓમાં જેમાં નવા બાયોમેટ્રિક્સની જરૂર નહોતી. જોકે, એજન્સીએ જોયું કે કેટલાક લોકો 20 વર્ષ જૂના ફોટા સાથે પણ અરજી કરી રહ્યા હતા, જે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક હતું. આથી, હવે આ છૂટછાટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
આ અરજીઓ પર દર વર્ષે નવો ફોટો જોઈશે
નવા નિયમ હેઠળ, અમુક અરજીઓ માટે વધુ કડક ધોરણો લાગુ કરાયા છે. જો તમે નીચેની અરજીઓમાંથી કોઈ એક કરી રહ્યા છો, તો તમારે દર વર્ષે નવા બાયોમેટ્રિક્સ અને નવો ફોટો જમા કરાવવો પડશે:
* નાગરિકતા માટેની અરજી
* સિટીઝનશિપ સર્ટિફિકેટ
* ગ્રીન કાર્ડ રિન્યુઅલ કે બદલવાની અરજી
* સ્ટેટસ એડજસ્ટમેન્ટની અરજી
આ ફેરફારનો મુખ્ય હેતુ અરજદારની ઓળખની સચોટ ચકાસણી કરવાનો અને ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાનો છે. તેથી, અમેરિકા માટે કોઈપણ અરજી કરતા પહેલા, ખાતરી કરો કે તમારો ફોટોગ્રાફ નવા નિયમો મુજબ જ હોય, નહીંતર તમારો સમય અને પૈસા બંને બગડી શકે છે.











