ઈરાન ભડકે બળ્યું: પૂર્વ પ્રિન્સની ચેતવણી, ‘હવે રસ્તા પર ઉતરવાથી નહીં ચાલે, શહેરો પર કબજો કરો અને દેશ ઠપ કરી દો’

ઈરાનમાં સત્તા પરિવર્તનની માંગ સાથે આંદોલન ઉગ્ર બન્યું છે. પૂર્વ પ્રિન્સ રઝા પહેલવીએ લોકોને શહેરો પર કબજો કરવા અને હડતાળ પાડી અર્થવ્યવસ્થા ઠપ કરવાની અપીલ કરી છે. જાણો ઈરાનની ગંભીર સ્થિતિ વિશે.

ઈરાન, રવિવાર
ઈરાનમાં અત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સત્તાધીશો સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકો હવે ખુલ્લેઆમ ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈને સત્તા પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, તેમ છતાં લોકોનો જુવાળ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ અરાજકતા વચ્ચે ઈરાનના પૂર્વ રાજકુમાર (પ્રિન્સ) રઝા પહેલવીએ પ્રજાને એક મોટી અપીલ કરી છે.

‘માત્ર રેલી કાઢવાથી કંઈ નહીં થાય, શહેરો કબજે કરો’
ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ શનિવારે પ્રજાને સંબોધતા કહ્યું હતું કે, હવે માત્ર રસ્તા પર ઉતરીને વિરોધ કરવાનો સમય પૂરો થઈ ગયો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે આંદોલનકારીઓએ શહેરોના મુખ્ય કેન્દ્રો અને મહત્વના સ્થળો પર કબજો જમાવી લેવો જોઈએ. તેમનું માનવું છે કે જો દેશભરમાં આંદોલન વધારે તેજ બનશે તો જ વર્તમાન સરકાર પર દબાણ લાવી શકાશે.

અર્થવ્યવસ્થાને ઠપ કરી દેવાની રણનીતિ
પહેલવીએ ઈરાનની જનતા અને ખાસ કરીને કર્મચારીઓને હડતાળ પર ઉતરી જવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે, જો ટ્રાન્સપોર્ટ, ઓઈલ અને ગેસ સેક્ટરના કર્મચારીઓ કામ બંધ કરી દેશે, તો દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે અને સરકાર આપોઆપ ઘૂંટણીયે આવી જશે. આટલું જ નહીં, પહેલવીએ આ લડાઈમાં આંતરરાષ્ટ્રીય સમર્થન માંગ્યું છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ બાબતે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

એક જ દિવસમાં 200થી વધુ મોતનો દાવો
ઈરાનની સ્થિતિ કેટલી ભયાનક છે તેનો અંદાજ એક તાજેતરના રિપોર્ટ પરથી લગાવી શકાય છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માત્ર 10 જાન્યુઆરીના રોજ તેહરાનમાં થયેલા ઘર્ષણમાં 217 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 180 જેટલા શહેરોમાંથી 2300થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચેના ઘર્ષણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જી દીધી છે.

ઈરાનનો ઈતિહાસ: રાજાશાહીથી ઈસ્લામિક રિપબ્લિક સુધી
ઈરાનમાં વર્તમાન અશાંતિને સમજવા માટે તેનો થોડો ઈતિહાસ જાણવો પણ જરૂરી છે. ઈરાનમાં રાજાને ‘શાહ’ કહેવામાં આવતા હતા.

1925-1941 (રઝા શાહ પહેલવી): ઈરાનમાં આધુનિક રાજાશાહીની શરૂઆત થઈ. તેમણે દેશનું નામ ‘પર્શિયા’થી બદલીને ‘ઈરાન’ કર્યું હતું.
1941-1979 (મોહમ્મદ રઝા શાહ પહેલવી): આ રઝા શાહના પુત્ર હતા. તેમના વિચારો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત હતા, જે ત્યાંના કટ્ટર ધાર્મિક નેતાઓને પસંદ નહોતા.
1979 (ઈસ્લામિક ક્રાંતિ): 16 જાન્યુઆરી, 1979ના રોજ પ્રચંડ વિરોધને કારણે રાજાને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. આ સાથે જ 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો અને ઈરાન ‘ઈસ્લામિક રિપબ્લિક’ બન્યું.

વર્તમાન શાસન વ્યવસ્થા
ક્રાંતિ બાદ 1979થી 1989 સુધી આયાતુલ્લા રુહોલ્લા ખોમેની સુપ્રીમ લીડર રહ્યા. તેમના મૃત્યુ બાદ 1989થી અત્યાર સુધી આયાતોલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર તરીકે સત્તા ભોગવી રહ્યા છે. ઈરાનમાં ભલે જનતા રાષ્ટ્રપતિને ચૂંટે છે, પરંતુ અસલી સત્તા સુપ્રીમ લીડર પાસે જ હોય છે અને રાષ્ટ્રપતિએ તેમના આદેશ મુજબ જ કામ કરવું પડે છે. આજે ઈરાનની જનતા આ જ વ્યવસ્થા સામે બળવો પોકારી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!