ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પોલીસ ભરતી અંગે મોટો જવાબ રજૂ કર્યો છે. જાણો, 2026 સુધીમાં થનારી 14,283 પોલીસકર્મીઓની ભરતીની વિગતો, PSI સિલેક્શન લિસ્ટ ક્યારે જાહેર થશે અને ટ્રેનિંગ સેન્ટરનું લેટેસ્ટ સ્ટેટસ.

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં લાંબા સમયથી રાહ જોવાતી પોલીસ ભરતીને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ અંગે વિગતવાર માહિતી રજૂ કરી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વર્ષ 2026 સુધીમાં રાજ્યમાં કુલ 14,283 નવા પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે.
PSI સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જાહેર થશે
હાલમાં જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, તેમાંથી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર- PSI ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ આગામી નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે, તેવી માહિતી પણ સરકારે કોર્ટમાં આપી છે. આ સમાચાર લાંબા સમયથી રિઝલ્ટ ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મોટી રાહત લઈને આવ્યા છે.
ભરતી પ્રક્રિયા બે ફેઝમાં પૂર્ણ થશે
સરકારે હાઇકોર્ટને જણાવ્યું કે પોલીસ વિભાગમાં કુલ ૨૫,૬૬૦ જગ્યાઓ ખાલી છે.
પ્રથમ ફેઝ: હાલમાં 11,000 કરતાં વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત વિવિધ કેડરના પોલીસકર્મીઓની નિમણૂક કરવામાં આવશે.
બીજો ફેઝ: બાકીની ખાલી પડેલી 14,283 જગ્યાઓ પર બીજા ફેઇઝમાં ભરતી કરવામાં આવશે, જે સપ્ટેમ્બર-2026 સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવશે.
સરકારના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે આગામી વર્ષોમાં યુવાનો માટે પોલીસ વિભાગમાં જોબ મેળવવાની મોટી તકો ઊભી થશે.
ટ્રેનિંગ સેન્ટરનું સ્ટેટસ
ભરતી પૂર્ણ થયા બાદ તાલીમ આપવા માટેની વ્યવસ્થાને લઈને પણ સરકારે કોર્ટ સમક્ષ વિગતો મૂકી છે. નિર્માણાધિન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારે માહિતી આપી કે ટ્રેનિંગ સેન્ટર બનાવવાનું 40 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જાન્યુઆરી 2026 સુધીમાં આ સેન્ટર તૈયાર થઈ જશે, જેના કારણે એક સાથે 2,500 જેટલા જવાનોને તાલીમ આપી શકાશે.
કોર્ટની મહત્ત્વની ટકોર
ગુજરાત હાઇકોર્ટે સરકારે આપેલા જવાબને ધ્યાનમાં રાખીને મહત્ત્વની ટકોર કરી હતી કે, “વર્તમાન સમય મુજબ સૌને નોકરીની જરૂર હોય છે. તેથી કોર્ટમાં આપેલા જવાબ મુજબ ભરતી પ્રક્રિયા પણ ઝડપી રહે તે ખૂબ જરૂરી છે.” કોર્ટની આ ટકોરથી ભરતી પ્રક્રિયામાં વધુ સ્પીડ આવે તેવી અપેક્ષા છે.











