મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે ભારતની LPG સપ્લાય ચેઇન ખોરવાઈ છે. સપ્લાય સામાન્ય થવામાં મહિનાઓ નહીં, પણ 3-4 વર્ષ લાગી શકે છે. જાણો તેની તમારા પર શું અસર થશે.

નવી દિલ્હી, ગુરૂવાર
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે દુનિયાભરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આ યુદ્ધની ગરમી હવે તમારા-મારા રસોડા સુધી પહોંચી શકે છે. ભારત તેની ગેસ (LPG)ની જરૂરિયાત માટે મોટાભાગે મિડલ ઈસ્ટના દેશો પર આધાર રાખે છે. પણ હવે યુદ્ધને કારણે ગેસ અને ઓઇલ લાવવાના મુખ્ય દરિયાઈ માર્ગ, ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ પર જહાજોની અવરજવર અટકી ગઈ છે, જેના કારણે સપ્લાય ચેઇન ભાંગી પડી છે. એક નવા અને ચિંતાજનક અહેવાલ મુજબ, આ સ્થિતિ સુધરવામાં એક-બે મહિના નહીં, પરંતુ વર્ષો નીકળી જશે.
સપ્લાય સામાન્ય થવામાં 3-4 વર્ષ લાગશે
સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે રીતે વૈશ્વિક LPG સપ્લાય ચેઇન ખોરવાઈ છે, તેને ફરીથી પાટા પર આવતાં ઓછામાં ઓછા 3થી 4 વર્ષ કે કદાચ તેનાથી પણ વધુ સમય લાગી શકે છે. હાલ તો એ પણ સ્પષ્ટ નથી કે ગેસનું ઉત્પાદન માત્ર થોડા સમય માટે અટક્યું છે કે તેને લાંબાગાળાનું નુકસાન થયું છે. પરંતુ સપ્લાયર્સ તરફથી જે સંકેતો મળી રહ્યા છે તે ભારત માટે ચિંતા વધારનારા છે. આ સ્થિતિમાં ભારત માટે વિદેશથી ગેસ મંગાવવાનો ખર્ચ અને જોખમ બંને વધી શકે છે.
40-50% સપ્લાય ઘટવાની આશંકા
એક તરફ સરકાર સપ્લાય માટે બીજા દેશો અને નવા રસ્તાઓ શોધી રહી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે તમામ પ્રયાસો છતાં LPGના સામાન્ય સપ્લાયમાં 40થી 50 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, પહેલા જેટલો ગેસ સરળતાથી મળતો હતો, તે હવે નહીં મળે. નોંધનીય છે કે, યુદ્ધ પહેલા ભારતનો 90% LPG ગેસ સ્ટ્રેટ ઑફ હોર્મુઝના રસ્તેથી આવતો હતો, જે હવે ઘટીને માત્ર 55% પર આવી ગયો છે.
ભારત માટે કેમ છે આ મોટી ચિંતા?
ભારતની સ્થિતિ એટલા માટે વધારે ગંભીર છે કારણ કે આપણે આપણી જરૂરિયાતનો 60% LPG વિદેશથી આયાત કરીએ છીએ.
વાર્ષિક માંગ: દેશમાં દર વર્ષે લગભગ 33 મિલિયન ટન LPGની જરૂર પડે છે.
સ્ટોરેજની ક્ષમતા: ભારત પાસે માત્ર 15 દિવસ ચાલે તેટલો જ LPG સ્ટોર કરવાની ક્ષમતા છે.
નિર્ભરતા: ભારતનો 92% સપ્લાય UAE, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને ઓમાન જેવા ખાડી દેશોમાંથી આવે છે. આમાં એકલા UAEનો હિસ્સો 41% છે.
સરકારનો શું છે એક્શન પ્લાન?
આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર કોરોના મહામારી જેવી જ રણનીતિ પર કામ કરી રહી છે. સરકાર અન્ય દેશો પાસેથી આયાત વધારવા, સપ્લાયના રૂટ બદલવા અને દેશમાં જ ઉત્પાદન વધારવા પર ભાર આપી રહી છે. આ સિવાય બિનજરૂરી વપરાશને રોકીને માંગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
સામાન્ય માણસ અને ઉદ્યોગો પર શું અસર થશે?
જો આંતરરાષ્ટ્રીય બજારમાં LPG મોંઘો થશે તો તેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો (MSME) પર પડશે, જેમના માટે ખર્ચ વધશે. સાથે જ, જો ભાવ વધારો ચાલુ રહ્યો તો સરકાર પર ઘરેલું ગેસ સિલિન્ડર પર અપાતી સબસિડીનો બોજ પણ વધી શકે છે. જોકે, સરકારનો મુખ્ય પ્રયાસ એ જ છે કે સામાન્ય લોકોના ઘર સુધી પહોંચતા ગેસ સિલિન્ડરમાં કોઈ મોટી અછત ન સર્જાય અને સપ્લાય યથાવત રહે.











