ગુજરાત કેબિનેટમાં મોટો ફેરફાર: આવતીકાલે નવા મંત્રીઓ લેશે શપથ, ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ શરુ

ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે, 17મી ઓક્ટોબરે, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. જાણો શપથ સમારોહના સમય અને કયા નેતાઓ હાજર રહેશે તેની સંપૂર્ણ વિગતો. ધારાસભ્યોના જીવ તાળવે ચોંટ્યા.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતના રાજકીય ગલિયારાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની અટકળોનો હવે અંત આવી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની તારીખ અને સમય નક્કી થઈ ગયા છે. આવતીકાલે, એટલે કે શુક્રવારે 17મી ઓક્ટોબર, ગાંધીનગરના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિર ખાતે સવારે 11:30 વાગ્યે નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે.

રાજભવન ખાતે ગતિવિધિ તેજ
આ શપથ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આ મહત્વપૂર્ણ રાજકીય ઇવેન્ટને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સાંજે ગુજરાત પહોંચી રહ્યા છે. તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પણ આ સમયગાળા દરમિયાન ગુજરાત મુલાકાતની પ્રબળ શક્યતાઓ રહેલી છે, જે આ સમગ્ર ઘટનાક્રમને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.

કોને મળશે મંત્રીપદ? સસ્પેન્સ યથાવત
સૌથી મોટો સવાલ એ છે કે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોની વિદાય થશે. આ અંગે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અત્યંત ગુપ્તતા રાખવામાં આવી રહી છે. કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સીધી દેખરેખ હેઠળ મંત્રીઓની ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ ચૂકી છે. હવે માત્ર યોગ્ય સમયે તેની જાહેરાત કરવાની બાકી છે. ભાજપના દંડક દ્વારા તમામ ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવારે ફરજિયાતપણે ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપી દેવાઈ છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર પહોંચી રહ્યા છે. દરેક ધારાસભ્યના મનમાં એક જ સવાલ છે કે શું તેમના પર પસંદગીનો કળશ ઢોળાશે? આ કારણે ધારાસભ્યો સતત પોતાના મોબાઇલ ફોન પર આવનારા એક કોલની રાહ જોઈ રહ્યા છે.

સ્વર્ણિમ સંકુલમાં સાફસફાઈ અને તૈયારીઓ
બીજી તરફ, સચિવાલયમાં પણ મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આવેલી મંત્રીઓની ઓફિસોમાં સાફસફાઈનું કામ શરૂ કરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વધુ સભ્યોનું હોઈ શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને સ્વર્ણિમ સંકુલ-2 ના બીજા અને ત્રીજા માળે આવેલી પાંચ-છ ખાલી ઓફિસોને પણ તૈયાર કરવામાં આવી રહી છે, જે મંત્રીમંડળના વિસ્તરણની વાતને વધુ મજબૂત બનાવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!