જોધપુર હાઈકોર્ટે સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ રોકવા માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવે એક વ્યક્તિના નામે 3થી વધુ સિમ કાર્ડ નહીં મળે અને 16 વર્ષથી નાના બાળકો માટે મોબાઈલ વપરાશના નવા નિયમો આવશે. જાણો સંપૂર્ણ વિગત.

જોધપુર, શનિવાર
દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઈમ અને ડિજિટલ અરેસ્ટ જેવી ઘટનાઓને ડામવા માટે જોધપુર હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આજના સમયમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બન્યા છે, ત્યારે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવેથી એક જ વ્યક્તિના નામે 3થી વધુ સિમ કાર્ડ ઈશ્યુ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય બોગસ સિમ કાર્ડ દ્વારા થતા અપરાધોને અટકાવવાનો છે.
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક 84 વર્ષીય વૃદ્ધ દંપતી સાથે 2 કરોડ રૂપિયાની જંગી છેતરપિંડી થઈ હતી. આ કેસમાં પકડાયેલા બે આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા જસ્ટિસ રવિ ચિરાનિયાએ આ મહત્વપૂર્ણ આદેશો આપ્યા હતા. કોર્ટનું માનવું છે કે સાયબર ગુનેગારો એકસાથે અનેક સિમ કાર્ડનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવે છે, તેથી સિમ કાર્ડની સંખ્યા મર્યાદિત કરવી અનિવાર્ય છે. એટલું જ નહીં, હાઈકોર્ટે સાયબર ક્રાઈમ સામે લડવા માટે રાજસ્થાનમાં નેશનલ લેવલના I4Cની જેમ જ R4Cસ્થાપવાનો આદેશ આપ્યો છે. આ સેન્ટર ખાસ IT ઇન્સ્પેક્ટરો દ્વારા સંચાલિત થશે, જેમને અન્ય કોઈ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં, જેથી તપાસની ગુણવત્તા જળવાઈ રહે.
આ ચુકાદામાં માત્ર આર્થિક ગુનાઓ જ નહીં, પણ બાળકોના ભવિષ્યની ચિંતા પણ કરવામાં આવી છે. કોર્ટે શિક્ષણ વિભાગને ખાસ ટકોર કરી છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા મોબાઈલ ફોન, ઓનલાઈન ગેમ્સ અને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે કડક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવામાં આવે. શાળાઓમાં બાળકો મોબાઈલનો દુરુપયોગ ન કરે તે માટે આ નિયમો અત્યંત જરૂરી છે.
બીજી તરફ, બેંકિંગ સિસ્ટમમાં પણ મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. કોર્ટે તમામ બેંકો અને ફિનટેક કંપનીઓને RBI દ્વારા વિકસિત મ્યુલ હન્ટર જેવા આધુનિક AI ટૂલ્સનો ઉપયોગ ફરજિયાત કરવા કહ્યું છે. આ ટૂલ્સ શંકાસ્પદ વ્યવહારો અને બોગસ એકાઉન્ટ્સને પકડી પાડશે. ખાસ કરીને એવા ખાતાધારકો જેમનું વાર્ષિક ટ્રાન્ઝેક્શન 50,000 રૂપિયાથી ઓછું છે અથવા જેઓ ડિજિટલ રીતે ઓછા સાક્ષર છે, તેમના ખાતામાંથી થતા યુપીઆઈ અને નેટ બેંકિંગ વ્યવહારો પર મર્યાદા લાદવામાં આવી શકે છે, જેથી તેઓ છેતરપિંડીનો ભોગ ન બને. આ તમામ પગલાંઓ આગામી સમયમાં સાયબર સુરક્ષા ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.











