અમદાવાદમાં સંભવિત ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે AMCએ મોટેરામાં મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત સાથે 29 દબાણો દૂર કરી ટીપી રોડ ખુલ્લો કરાયો. વાંચો વિગતવાર અહેવાલ.

અમદાવાદ, શનિવાર
અમદાવાદ શહેર હવે વૈશ્વિક કક્ષાની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે સજ્જ થઈ રહ્યું છે. આગામી સમયમાં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી મેગા ઈવેન્ટ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગયું છે. શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓને અડચણરૂપ બનતા દબાણો દૂર કરવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે, જેનો તાજો દાખલો આજે મોટેરા વિસ્તારમાં જોવા મળ્યો હતો. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને ડેવલપ કરવાની કામગીરીના ભાગરૂપે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં મુખ્યત્વે મોટેરાના બળદેવનગર અને સુભાષનગર વિસ્તારના મકાનો જે ટીપી રોડની કપાતમાં આવતા હતા, તેમને દૂર કરવામાં આવ્યા છે. વિગતો મુજબ, અચેર ડેપોથી ટોરેન્ટ પાવર સુધી સીધો ખૂલતો 24.0 મીટર પહોળાઈનો ટીપી રોડ લાંબા સમયથી દબાણોને કારણે અવરોધાયેલો હતો. આ રસ્તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બિલકુલ બાજુમાં આવેલો છે અને સાબરમતી વિસ્તારમાંથી પસાર થાય છે. આ ઉપરાંત, સ્ટેડિયમની પાછળ કરોડોના ખર્ચે ‘SVP એન્કલેવ’ પણ આકાર લઈ રહ્યું છે, જેના કારણે આ વિસ્તારનો વિકાસ કરવો તંત્ર માટે અનિવાર્ય બન્યું હતું. આ રોડને ખુલ્લો કરવા માટે કુલ 29 જેટલા મકાનો તોડવા પડે તેમ હતા.
નોંધનીય બાબત એ છે કે, કોર્પોરેશન દ્વારા સ્થાનિક રહીશોને મકાન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. જોકે, રહીશોએ મકાન ખાલી કરવાને બદલે રાહત મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે આ પ્રોજેક્ટના મહત્વને ધ્યાનમાં રાખીને રહીશોની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટનો ચુકાદો આવતાની સાથે જ તંત્ર માટે કાયદાકીય રસ્તો સાફ થઈ ગયો હતો અને આજે તાત્કાલિક અસરથી ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.
પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવી ન હતી. આજે વહેલી સવારે જ 4 હિટાચી મશીન, 2 જેસીબી અને મોટી સંખ્યામાં મજૂરો અને સ્ટાફ સાથે કામગીરી શરૂ કરી દેવાઈ હતી. ડિમોલિશન દરમિયાન સ્થાનિક લોકોનો વિરોધ ન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આખરે 29 મકાનોનું દબાણ દૂર કરી ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દર્શાવે છે કે અમદાવાદ શહેર આગામી વૈશ્વિક રમતોત્સવ માટે કોઈપણ બાંધછોડ કરવાના મૂડમાં નથી.











