અમદાવાદમાં પેટ ડોગના માલિકો ચેતી જજો! AMCએ રજિસ્ટ્રેશન ફી 200થી વધારીને સીધી 2,000 કરી દીધી છે. રજિસ્ટ્રેશન નહીં કરાવો તો નળ-ગટર કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી થશે. જાણો છેલ્લી તારીખ અને સંપૂર્ણ નિયમો

અમદાવાદ, ગુરૂવાર
અમદાવાદ શહેરના જે નાગરિકોએ પોતાના ઘરમાં પેટ ડોગ રાખ્યા છે, તેમના માટે મહત્ત્વના સમાચાર છે. અમદાવાદ મહાનગર પાલિકા હવે પેટ ડોગના રજિસ્ટ્રેશન બાબતે ગંભીર કાર્યવાહીના મૂડમાં છે. તંત્રએ રજિસ્ટ્રેશનની ફીમાં મોટો વધારો કર્યો છે અને સાથે નિયમ ન પાળનાર સામે કડક પગલાં લેવાની ચીમકી પણ આપી છે.
200ની ફી સીધી 2,000: ફી વધારા પાછળનું કારણ શું?
પેટ ડોગના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં દાખવાતી આળસને કારણે AMCના CNCD વિભાગે રજિસ્ટ્રેશન ફીમાં અધધ વધારો કર્યો છે. અગાઉ જે ફી માત્ર 200 રૂપિયા હતી, તે હવે સીધી 2,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તંત્રનું માનવું છે કે આ ફી વધારાથી લોકો જાગૃત થશે અને ઝડપથી પોતાના ડોગનું રજિસ્ટ્રેશન કરાવશે.
AMCના CNCD વિભાગના હેડ નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસથી શહેરમાં પેટ ડોગની ગણતરી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરમાં હાલમાં આશરે 50,000 જેટલા પેટ ડોગ હોવાનો અંદાજ છે, જેની સામે માત્ર 16,000 ડોગનું જ રજિસ્ટ્રેશન થયું છે. આ મોટો તફાવત દર્શાવે છે કે હજી પણ મોટી સંખ્યામાં માલિકો નિયમોનું પાલન નથી કરી રહ્યા.
નિયમ તોડશો તો નળ-ગટર કનેક્શન કપાઈ જશે!
AMCની નવી પેટ ડોગ પોલિસી અંતર્ગત રજિસ્ટ્રેશન ન કરાવનાર માલિકો સામે અત્યંત કડક પગલાં લેવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો માલિકના નળ અને ગટર કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, ડોગને જપ્ત કરવો અને માલિકને નોટિસ ફટકારવાની કાર્યવાહી પણ થશે. તંત્રની ટીમ હવે ઘરે-ઘરે જઈને તપાસ પણ શરૂ કરશે.
રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ કઈ?
જે પેટ ડોગ માલિકોએ હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તેમણે ડિસેમ્બર 31, 2025 સુધીમાં પોતાનો ડોગ નોંધાવી લેવો ફરજિયાત છે. આ તારીખ વીતી ગયા પછી કાર્યવાહી વધુ આકરા સ્વરૂપમાં આવી શકે છે.
કયા વિસ્તારોમાં સૌથી વધુ ડોગ?
કોર્પોરેશનના સૂત્રો મુજબ, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગ નોંધાયેલા છે. જેમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પામેરિયન, ગોલ્ડન રોટવીલર અને હસ્કી જેવી પ્રજાતિના ડોગનો સમાવેશ થાય છે.











