ઓનલાઈન સેલનું સત્ય: શું તમે ખરેખર સસ્તી વસ્તુ ખરીદી રહ્યા છો? ખરીદી કરતા પહેલા આટલું જાણી લો!

તહેવારોની સિઝનમાં ઓનલાઈન સેલમાં મળતા મોટા ડિસ્કાઉન્ટ પાછળનું સત્ય જાણો. શું તમે ખરેખર સસ્તી વસ્તુ ખરીદી રહ્યા છો, કે માત્ર ઉતાવળમાં મોંઘો સોદો કરી રહ્યા છો? ઑફલાઇન બજારની કિંમત સાથે સરખામણી કરીને સ્માર્ટ ખરીદી કેવી રીતે કરવી, તે સમજો.

અમદાવાદ, ગુરૂવાર
તહેવારોની સિઝન ચાલી રહી છે, અને તેની સાથે જ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા મોટા પ્લેટફોર્મ પર સેલ પણ પૂરજોશમાં છે. ડીલ્સ અને બમ્પર ડિસ્કાઉન્ટની જાહેરાતો એટલી જોરદાર હોય છે કે ઘણા લોકો ઉતાવળમાં મોંઘી વસ્તુઓ ખરીદી લે છે. પરંતુ એક સ્માર્ટ ગ્રાહક તરીકે, આ જબરદસ્ત ઑફર્સ પાછળનું સત્ય સમજવું જરૂરી છે.

MRP અને ચાલાકીભર્યા ડિસ્કાઉન્ટની રમત
ઘણીવાર આપણને જે ડિસ્કાઉન્ટ બતાવવામાં આવે છે, તે ખરેખર પ્રોડક્ટની MRP પર હોય છે. અહીં જ મોટી રમત થાય છે.

કોઈપણ વસ્તુ, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, સેલ વગર પણ MRP કરતાં ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ હોય છે. માની લો કે એક સ્માર્ટફોનની MRP 50,000 છે. સામાન્ય દિવસોમાં તે કદાચ 45,000 માં વેચાય જ છે. પરંતુ સેલ દરમિયાન, ઈ-કોમર્સ કંપનીઓ ચાલાકીપૂર્વક આ 50,000ની MRP પર 50% ડિસ્કાઉન્ટ બતાવીને ફોન 25,000માં આપવાનો ડોળ કરે છે.

જુઓ, 45,000થી 25,000 પર આવવું એ સારી ડીલ છે. પણ કંપની તમને 50,000 પર 50% ડિસ્કાઉન્ટ મળ્યું છે તેવું અનુભવ કરાવે છે, જે ટેક્નિકલી સાચું છે, પણ વાસ્તવમાં સત્ય કંઈક બીજું હોય છે. ખરી કિંમતનો તફાવત ઓછો હોઈ શકે છે.

કાઉન્ટડાઉન ટાઈમરની મનોવૈજ્ઞાનિક અસર
તમે ઘણી ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર કાઉન્ટડાઉન ટાઈમર જોયા હશે. 5 મિનિટ, 30 મિનિટ… આ ટાઈમર ગ્રાહકોને એક મનોવૈજ્ઞાનિક દબાણ હેઠળ લાવે છે. તમને લાગે છે કે જો હમણાં નહીં ખરીદું, તો ઑફર જતી રહેશે અથવા વસ્તુ મોંઘી થઈ જશે.

અનુભવ બતાવે છે કે ઘણીવાર તમે આજે જે પ્રોડક્ટ ઉતાવળમાં ખરીદી છે, તે થોડા દિવસો પછી પણ એ જ કિંમતે કે તેનાથી પણ સસ્તી ઉપલબ્ધ હોય છે. આ માત્ર ગ્રાહકને ઉતાવળ કરાવવાની એક માર્કેટિંગ ચાલ છે.

છેતરપિંડી અને ઑફલાઇન બજારને ભૂલશો નહીં
ઓનલાઈન ખરીદીમાં નકલી વેબસાઇટ્સની લિંક્સ આવવી અને ઓનલાઈન વેચાણ છેતરપિંડી ખૂબ જ સામાન્ય છે, જેનાથી બચીને રહેવું જોઈએ.

બીજી એક અગત્યની વાત
ઓનલાઈન 40,000માં 50% ડિસ્કાઉન્ટ પર મળતી વસ્તુ ઑફલાઇન બજારમાં કદાચ 30,000 માં જ ઉપલબ્ધ હોય!

સ્માર્ટ ખરીદી માટેનું ગ્રાહક સંશોધન
ઓનલાઈન સેલના ચક્કરમાં માત્ર ન પડતાં, સ્માર્ટ ડીલ મેળવવા માટે તમારે થોડું સંશોધન કરવું જ પડશે.

1. ઓનલાઈન કિંમતની ગણતરી
પહેલા 3 કે 4 મોટી ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર પ્રોડક્ટની કિંમત અને તેનું ડિસ્કાઉન્ટ સમજો.

ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત કાર્ડ ઑફર્સ અને નો-કોસ્ટ EMI પર મળતા ડિસ્કાઉન્ટનો સરવાળો કરો.

કુલ ડિસ્કાઉન્ટ કિંમત નોંધી લો (સ્ક્રીનશોટ લેવો સૌથી સારો રસ્તો છે).

2. ઑફલાઇન સ્ટોર્સની મુલાકાત લો
તહેવારોની સિઝનમાં ક્રોમા, વિજય સેલ્સ, રિલાયન્સ ડિજિટલ જેવા મોટા ઑફલાઇન સ્ટોર્સ પણ જબરદસ્ત ઑફર્સ ચલાવે છે. મોટા એપ્લાયન્સ જેમ કે AC, TV, રેફ્રિજરેટર, વોશિંગ મશીન ઘણીવાર ઑફલાઇન બજારમાં ઘણા સસ્તા ભાવે ઉપલબ્ધ હોય છે.

3. ઑફલાઇન સ્ટોર પર વધુ સારી ડીલ કેવી રીતે મેળવવી?
ઓનલાઈન બજારનું સંપૂર્ણ સંશોધન કર્યા પછી, ઑફલાઇન રિટેલ સ્ટોરની મુલાકાત લો.

સ્ટોરના કર્મચારીને ઓનલાઈન જે ડીલ મળી રહી છે, તેના વિશે સ્પષ્ટપણે જણાવો.

ઘણીવાર ઑફલાઇન સ્ટોર્સ તમને ઓનલાઈન કરતાં ઓછી કિંમતે પ્રોડક્ટ ઓફર કરશે, કારણ કે તેઓ તરત જ વેચાણ કરવા માંગે છે.

ગિફ્ટ્સ માટે પૂછો: ફોન ખરીદતા હોવ તો મફત ટેમ્પર્ડ ગ્લાસ અને કવર માંગી શકો છો.

ઓનલાઈન મળતી કાર્ડ ઑફર્સ અને નો-કોસ્ટ EMI જેવા વિકલ્પો પણ તમે ઑફલાઇન સ્ટોર પર મેળવી શકો છો.

4. જૂના ઉત્પાદનો બદલાવો
ઘણા ઑફલાઇન રિટેલ સ્ટોર્સ જૂના સ્માર્ટફોન સારી કિંમતે ખરીદી લે છે. Cashify કે અન્ય ટ્રેડ-ઇન પ્લેટફોર્મ પર કિંમત ચેક કર્યા પછી, ઑફલાઇન સ્ટોર્સની મુલાકાત લો. ઘણીવાર તમારો જૂનો ફોન ઑનલાઇન કરતાં ઑફલાઇન વધુ સારા ભાવે એક્સચેન્જ થઈ શકે છે, જે તમારી નવી ખરીદીને વધુ સસ્તી બનાવી દેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!