ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારનો ઇ-મેઇલ થોડા મહિના અગાઉ પણ મળ્યો હતો. તે સમયે પણ મુખ્ય સચિવને દેશી બનાવટના વિસ્ફોટકોથી મુખ્યમંત્રી કાર્યાલયમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી અને તે સંદર્ભે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગાંધીનગર, શનિવાર
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય, અન્ય મહત્ત્વની સરકારી કચેરીઓ અને કલેક્ટર ઓફિસોને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઇ-મેઇલ મળતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. આ અજાણી વ્યક્તિ વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ઇ-મેઇલમાં ધમકી
પ્રાપ્ત માહિતી અનુસાર ઇ-મેઇલમાં જણાવ્યા મુજબ કેટલાક રાજકારણીઓએ તમિલનાડુ સરકારને અમુક સમાચાર માધ્યમોને નબળા પાડીને રાજકીય લાભ મેળવવાની સલાહ આપી હતી. આ માટે કેટલીક એજન્સીઓ અને વચેટિયાઓ દ્વારા પત્રકારોને કામે રાખવાનું પણ સૂચવાયું હતું. જોકે, આ ઇરાદો પાર ન પડતાં તેનો બદલો લેવા માટે આ કૃત્ય કરાયું હોવાની અસ્પષ્ટ અને ભ્રામક ભાષામાં વાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઇ-મેઇલમાં અનાથાશ્રમની બાળકીઓના યૌન શોષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભ્રમ ફેલાવવાનો પ્રયાસ અને પંજાબનો ઉલ્લેખ
ઇ-મેઇલમાં અસ્પષ્ટ રીતે તમિલનાડુની કેટલીક જાણીતી વ્યક્તિઓ અને પત્રકારોની ગુનાહિત સંડોવણીનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રાથમિક દૃષ્ટિએ આ ઇ-મેઇલ ડર અને ભ્રમ ફેલાવવાના હેતુથી મોકલવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. ધમકીભર્યા ઇ-મેઇલમાં એમ પણ કહેવાયું છે કે, પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયાના 97 મિનિટ પછી ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય અને અન્ય કચેરીઓ પણ ધડાકાથી ધણધણી ઉઠશે, જેથી આ તમામ કચેરીઓ ખાલી કરી દેવી જોઈએ.
અગાઉ પણ મળી હતી આવી જ ધમકી
ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારનો ઇ-મેઇલ થોડા મહિના અગાઉ પણ મળ્યો હતો. તે સમયે પણ મુખ્ય સચિવને દેશી બનાવટના વિસ્ફોટકોથી મુખ્યમંત્રી કાર્યાલયમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી અને તે સંદર્ભે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સ્વર્ણિમ સંકુલ ખાતે તપાસ પણ કરી હતી. આ બંને ઇ-મેઇલ વચ્ચેની મુખ્ય સમાનતા એ છે કે બંનેમાં તમિલનાડુના રાજકારણને ટાંકીને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે.











