ગાંધીનગરમાં પુલોની સલામતી પર સઘન સમીક્ષા, અધિકારીઓને સીધી જવાબદારીની તાકીદ

બેઠકમાં ક્ષતિગ્રસ્ત પુલોના રિપેરિંગ માટે સમયબદ્ધ આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. જે પુલો રિપેરિંગથી ફરી કાર્યરત થઈ શકે તેમ છે તેનું ઝડપથી રિપેરિંગ કરવા જણાવ્યું હતું.

ગાંધીનગર, શનિવાર
વડોદરાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીના આદેશથી રાજ્યભરમાં પુલોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે, ગાંધીનગર શહેર અને જિલ્લામાં આવેલા તમામ પુલોનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કવાયતના અંતે, પ્રભારી સચિવ પી. સ્વરૂપે શુક્રવારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પુલોની સલામતી મામલે સ્થાનિક અધિકારીઓને ખાસ તકેદારી રાખવા અને જે-તે અધિકારીની સીધી જવાબદારી રહેશે તેવી સ્પષ્ટ સૂચના આપી હતી.

ગત અઠવાડિયે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ 5 ટીમો બનાવીને શહેર અને તાલુકા વિસ્તારોના કુલ 90 જેટલા પુલોની ચકાસણી કરવામાં આવી હતી. આ ટીમોએ શહેરી વિસ્તાર, નેશનલ હાઈ-વે, પંચાયત-ગ્રામ્ય વિસ્તારના નાળા સહિતના પુલોનું નિરીક્ષણ કર્યું હતું. ચકાસણી બાદ, ક્ષતિગ્રસ્ત જણાયેલા પુલો વાહન વ્યવહાર માટે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કેટલાક પુલો સંપૂર્ણપણે બંધ કરાયા છે, જ્યારે કેટલાક પુલો માત્ર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. આ અંગે કલેક્ટર દ્વારા જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે.

સમીક્ષા બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
પ્રભારી સચિવ પી. સ્વરૂપની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પુલોની સ્થિતિ અને રસ્તાઓની સુધારણા અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ક્ષતિગ્રસ્ત પુલોના રિપેરિંગ અને નવા નિર્માણનું આયોજન
બેઠકમાં ક્ષતિગ્રસ્ત પુલોના રિપેરિંગ માટે સમયબદ્ધ આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. જે પુલો રિપેરિંગથી ફરી કાર્યરત થઈ શકે તેમ છે તેનું ઝડપથી રિપેરિંગ કરવા જણાવ્યું હતું. જ્યારે જે પુલો એટલી હદે ક્ષતિગ્રસ્ત થયા છે કે તેમનું રિપેરિંગ શક્ય નથી, તેના સ્થાને નવા પુલ બનાવવા માટે પણ આયોજન કરવા તાકીદ કરાઈ હતી.

વધારાના 2 પુલ બંધ કરાયા, કુલ 7 પુલ પર પ્રતિબંધ
નર્મદાની ધોળકા શાખા કેનાલ પરથી પસાર થતા અને શાંતિગ્રામને જોડતા ગ્રામ્ય વિસ્તારના 2 નર્મદા નિગમ હસ્તકના પુલો ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગોકુળપુરાને શાંતિગ્રામથી જોડતો પુલ અને ગણપતપુરાને શાંતિગ્રામ સાથે જોડતો પુલનો સમાવેશ થાય છે, જે બન્ને ક્રિટીકલ અને જોખમી હાલતમાં જણાયા હતા. આ સાથે, ગાંધીનગર જિલ્લામાં સર્વે બાદ તબક્કાવાર કુલ 7 પુલ સંપૂર્ણ અથવા ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

બંધ પુલો પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના
રાયપુરમાં 8 મહિના અગાઉ પુલ બંધ કરાયો હોવા છતાં વાહનોની અવરજવર ચાલુ રહી હોવાના કિસ્સા બાદ, પ્રભારી સચિવે બંધ કરાયેલા પુલો પર બેરિકેડ લગાવીને સંપૂર્ણપણે બંધ કરવા સૂચના આપી છે. જ્યારે માત્ર ભારે વાહનો માટે બંધ કરાયેલા પુલો પર નાના વાહનો પ્રવેશી શકે અને ભારે વાહનો પ્રવેશી ન શકે તે માટે એંગલ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!