ઝડપ પર બ્રેક: ગુજરાતના શહેરોમાં હવે વાહનોની સ્પીડ લિમિટ ઘટશે!

2022માં રાજ્ય સરકારે વિવિધ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ જાહેર કરી હતી. તે સમયે શહેરની હદમાં કારની સ્પીડ 70 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોઈ શકે તેવું કહેવામાં આવ્યું હતું.

અમદાવાદ, બુધવાર
ગુજરાતના શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી વધારવા માટે, સ્ટેટ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરી રસ્તાઓ પર વાહનોની સ્પીડ લિમિટ માટેના નવા નિયમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ નિર્ણય છેલ્લા દસ વર્ષમાં રોડ એક્સિડેન્ટની વધતી સંખ્યા અને તેમાં થયેલા 75,738 મૃત્યુને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં રોડ એક્સિડેન્ટનો ભયાવહ આંકડો
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર 2024માં સંસદમાં રજૂ કરાયેલા ડેટા મુજબ, 2013થી 2022 દરમિયાન રોડ એક્સિડેન્ટના મામલે ગુજરાત આઠમું સૌથી ઘાતક રાજ્ય બન્યું હતું. આ આંકડાઓએ રાજ્ય સરકારમાં ચિંતા જગાવી હતી, જેના પરિણામે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણોના આધારે જ હવે સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી રહી છે.

નવી સ્પીડ લિમિટ શું હશે?
સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા નિયમો લાગુ થયા બાદ ભીડભાડવાળા રસ્તાઓ પર વાહનોની સ્પીડ લિમિટ ઘટાડીને 30 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે. જ્યારે પહોળા રસ્તાઓ પર આ સ્પીડ લિમિટ 45 થી 60 કિમી પ્રતિ કલાક રહેશે.

GDCRમાં સુધારા અને માર્ગ સલામતીને પ્રાથમિકતા
SUDDના અધિકારીઓ શહેરોમાં રોડ સેફ્ટીને પ્રાથમિકતા આપવા માટે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ (GDCR)માં સુધારો કરી રહ્યા છે. આ નવું ફ્રેમવર્ક દિવસ દરમિયાન રસ્તાની પહોળાઈ, ટ્રાફિકની ગીચતા અને સમયના આધારે સ્પીડ લિમિટ નક્કી કરશે.

અગાઉની સ્પીડ લિમિટ અને નવા નિયમોનો તફાવત
નોંધનીય છે કે, 2022માં રાજ્ય સરકારે વિવિધ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ જાહેર કરી હતી. તે સમયે શહેરની હદમાં કારની સ્પીડ 70 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોઈ શકે તેવું કહેવામાં આવ્યું હતું. 100 સીસીથી વધુ ડિસ્પ્લેસમેન્ટ ધરાવતી મોટરસાયકલ માટે સ્પીડ લિમિટ 60 કિમી પ્રતિ કલાક અને 100 સીસીથી ઓછીની મોટરસાયકલ માટે 50 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી હતી. એક્સપ્રેસવે પર કાર માટે 120 કિમી પ્રતિ કલાક, ડિવાઈડર અને ચાર કે તેથી વધુ લેનવાળા હાઈવે પર 100 કિમી પ્રતિ કલાક અને સ્ટેટ હાઈવે પર 80 કિમી પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી હતી.

અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, “શહેરોમાં સ્પીડ લિમિટ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, કેમ કે વધારે સ્પીડથી ચાલતા વાહનોને લીધે ગંભીર અકસ્માતોનું જોખમ વધી જાય છે. 80 કિમી પ્રતિ કલાકની ઝડપે એક્સિડેન્ટમાં મોતની સંભાવના 30 કિમી પ્રતિ કલાકની સ્પીડ કરતાં 20 ગણી વધારે છે.” આ નવા નિયમો લાગુ થવાથી ગુજરાતના શહેરી વિસ્તારોમાં રોડ એક્સિડેન્ટની સંખ્યામાં ઘટાડો થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!