વૈજ્ઞાનિકોએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું છે કે કોરોના વેક્સિન અને અચાનક થતા મૃત્યુને જોડતા નિવેદનો ખોટા અને ભ્રામક છે, અને વૈજ્ઞાનિકો દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું નથી.

નવી દિલ્હી, બુધવાર
કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે કોરોના વેક્સિન અને હાર્ટ એટેકને કારણે થતા અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ દ્વારા કરવામાં આવેલા ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે મંત્રાલયે આ વાત કહી છે.
કોરોના મહામારી પછી ઘણા લોકો ચાલતા, ફરતા, નાચતા-ગાતા અચાનક મૃત્યુ પામ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આવા ચોંકાવનારા વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં કોરોના વેક્સિન પર શંકા ઊભી થઈ હતી.
મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા કરવામાં આવેલા અભ્યાસે પુષ્ટિ કરી છે કે ભારતમાં કોરોના વેક્સિન સુરક્ષિત અને અસરકારક છે. ગંભીર સાઇડ ઇફેક્ટ્સના કિસ્સાઓ અત્યંત દુર્લભ છે.” નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે અચાનક કાર્ડિયાક અરેસ્ટથી થતા મૃત્યુના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં જેનેટિક્સ, લાઇફસ્ટાઇલ, પહેલાથી જ હાજર સમસ્યાઓ અને કોરોના પછીની જટિલતાઓનો સમાવેશ થાય છે.
અભ્યાસની વિગતો
ICMR અને NCDC દ્વારા 18 થી 45 વર્ષની વયના યુવા લોકોમાં અચાનક થતા મૃત્યુને સમજવા માટે અભ્યાસ કરવામાં આવ્યો છે. આ રિસર્ચ બે અલગ-અલગ પદ્ધતિઓથી કરવામાં આવ્યો છે.
એક જૂના ડેટાના આધારે અને બીજું રિયલ ટાઇમ તપાસના આધારે.
પ્રથમ અભ્યાસ:- મે થી ઓગસ્ટ 2023 દરમિયાન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં ઓક્ટોબર 2021 થી માર્ચ 2023 વચ્ચે મૃત્યુ પામેલા એવા લોકોની તપાસ કરવામાં આવી હતી જેઓ સ્વસ્થ દેખાતા હતા અને અચાનક મૃત્યુ પામ્યા હતા.
બીજો અભ્યાસ: AIIMS અને ICMR દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે યુવાનોમાં અચાનક થતા મૃત્યુના કારણોને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. ડેટાના પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે હાર્ટ એટેક અથવા માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અચાનક થતા મૃત્યુના સૌથી મોટા કારણો છે. નોંધનીય છે કે પાછલા વર્ષોની સરખામણીમાં કારણોની પેટર્નમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી. આ અભ્યાસના તારણો લોકોમાં પ્રવર્તતી શંકાઓને દૂર કરવામાં મદદ કરશે અને કોરોના વેક્સિનની સુરક્ષા અંગે વિશ્વાસ વધારશે.











