ટ્રાફિકના નિયમો તોડ્યા? દંડ ભરવો થયો વધુ સરળ! Google Pay, PhonePe સહિતની એપ્સથી કરી શકાશે ઈ-ચલણની ચૂકવણી

ગુજરાતમાં હવે ટ્રાફિકના ઈ-ચલણનો દંડ ભરવો થયો સુપર-ફાસ્ટ! Google Pay, PhonePe, BHIM-Pay અને YONO જેવી પોપ્યુલર એપ્સ દ્વારા ડાયરેક્ટ પેમેન્ટની સુવિધા શરૂ. જાણો આખી પ્રક્રિયા અને કયા નિયમો તોડવા પર ફાટે છે ઈ-મેમો.

ગાંધીનગર, બુધવાર
ગુજરાતમાં વાહનચાલકો માટે એક સારા સમાચાર છે. જો તમે ટ્રાફિક નિયમ તોડ્યો હોય અને તમને ઈ-ચલણ મળ્યો હોય, તો હવે દંડ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ છે. ગુજરાત પોલીસની સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી દંડની રકમ ભરવા માટેના વિકલ્પોમાં વધારો થયો છે.

Google Pay, PhonePe, BHIM-Pay: ડાયરેક્ટ પેમેન્ટની સુવિધા
અત્યાર સુધી વાહનચાલકો પાસે નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને UPI દ્વારા One Nation One Challan એપ્લિકેશન કે M-Parivahanની સાઈટ પરથી દંડ ભરવાનો વિકલ્પ હતો. પણ હવે તેમાં BBPS (Bharat Bill Payment System) પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે, તમે હવે તમારી રોજિંદી પોપ્યુલર એપ્સ – Google Pay, PhonePe, BHIM-Pay, અને YONO એપ્લિકેશન – દ્વારા પણ સીધે-સીધી દંડની રકમ ભરી શકશો.

કેવી રીતે કરશો પેમેન્ટ?
આ એપ્લિકેશન્સમાં જઈને તમારે ફક્ત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શનને પસંદ કરવાનો રહેશે અને પછી પેમેન્ટ કરી શકાશે. આ નવી સુવિધાથી ઓનલાઈન પેમેન્ટના વિકલ્પો વધશે અને દંડ ભરવાની આખી પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે, જે ડિજિટલ ગુજરાતના લક્ષ્ય તરફનું એક મહત્વનું પગલું છે.

ઈ-ચલણ એટલે શું અને ક્યારે ફાટે છે મેમો?
ઈ-ચલણ એટલે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઓનલાઈન મોકલવામાં આવતો ડિજિટલ મેમો. જ્યારે તમે નિયમ તોડો છો, ત્યારે રસ્તા પર લાગેલા કેમેરા કે ટ્રાફિક પોલીસ તમારા વાહનની વિગતો રેકોર્ડ કરે છે. આ વિગતોના આધારે, તમારા વાહન નંબર સાથે લિન્ક મોબાઇલ નંબર પર મેમો મોકલવામાં આવે છે. આમાં ઘટનાસ્થળ પર રોકીને રોકડ દંડ ભરવાની જરૂર રહેતી નથી.

આ મુખ્ય નિયમો તોડવા પર ઈ-મેમો ફાટી શકે છે:
મોટાભાગના લોકો જાણે છે કે રેડ સિગ્નલ તોડવું કે હેલ્મેટ ન પહેરવા પર મેમો આવે છે, પણ આ ઉપરાંત પણ અનેક નિયમો છે, જેના માટે ઈ-ચલણ જારી થઈ શકે છે.

1. રિક્ષામાં નિયમથી વધુ પેસેન્જર (ડ્રાઈવર સીટ પર પેસેન્જર સહિત).
2. BRTS કોરિડોરમાં વાહન ચલાવવું.
3. ફોર વ્હીલરમાં કાળા કાચ (ડાર્ક ફિલ્મ).
4. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ પર વાતચીત કરવી.
5. વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ હોવી.
6. ટુ-વ્હીલર પર 2થી વધુ લોકોની સવારી.
7. રોડ પર વાહનનું આડેધડ પાર્કિંગ અથવા નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું.
8. ટ્રાફિક સિગ્નલ તોડવો.
9. ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ ન પહેરવો.
10. ટુ-વ્હીલર ચાલકોએ હેલ્મેટ ન પહેરવું.
11. નિયમ કરતાં વાહનની સ્પીડ વધારવી (ઓવરસ્પીડિંગ).
12. રોંગ સાઈડમાં વાહન ચલાવવું.
13. નિયમ વિરુદ્ધ વાહન પાર્ક કરવું.

શું એકસાથે અનેક ચલણ આવી શકે? હા, જો તમે એક જ ડ્રાઇવમાં ઓવરસ્પીડિંગ, રેડ લાઈટ ક્રોસ કરવી અને સીટ બેલ્ટ ન પહેરવો જેવા એકથી વધુ નિયમો તોડ્યા હોય, તો દરેક નિયમ માટે અલગ-અલગ ચલણ જનરેટ થઈ શકે છે.

પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે
આ નવી સિસ્ટમ હેઠળ દંડ પેટે જે રકમ એકત્ર થશે, તે RBIની માર્ગદર્શિકા મુજબ પહેલા ચકાસણી કરવામાં આવશે અને પછી ટ્રાન્સફર થશે. આનાથી દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંનેમાં વધારો થશે. હવે, જો તમને તમારો કોઈ ઈ-ચલણ ચેક કરવો હોય તો તમે સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!