ઇલોન મસ્કના xAI દ્વારા લોન્ચ કરાયેલ નવા ઓનલાઇન એન્સાયક્લોપીડિયા ગ્રોકોપેડિયા પર વિકિપીડિયાના લેખો કોપી કરવાના આક્ષેપો લાગ્યા છે. જાણો બંને વચ્ચે શું ફરક છે અને ક્લાયમેટ ચેન્જ જેવા સંવેદનશીલ મુદ્દે ગ્રોકોપેડિયાનો વિવાદાસ્પદ મત.

અમદાવાદ, બુધવાર
ટેક્નોલોજીની દુનિયાના દિગ્ગજ ઇલોન મસ્કની કંપની xAI દ્વારા લોન્ચ કરવામાં આવેલો ઓનલાઇન એન્સાયક્લોપીડિયા ગ્રોકોપેડિયા હાલમાં ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં છે. આ પ્લેટફોર્મ વિકિપીડિયા જેવું જ છે, પરંતુ તેના પર કેટલાક ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે.
આર્ટિકલ કોપી કરવાના આક્ષેપો
ગ્રોકોપેડિયા પર સૌથી મોટો આક્ષેપ એ છે કે તે વિકિપીડિયા પરથી લેખો સીધા ઉઠાવી રહ્યું છે. એક ઉદાહરણ તરીકે, મેકબૂક એરના પેજ પર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, ‘The content is adapted from Wikipedia, licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.’
મસ્કે ભલે ખાતરી આપી હોય કે ગ્રોકોપેડિયામાં વિકિપીડિયા કરતાં વધુ સારી અને ચકાસાયેલી માહિતી હશે, પરંતુ જ્યારે આર્ટિકલ જ સીધા કોપી થયા હોય, તો વિશ્વસનીયતા પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. ખાસ કરીને, ગ્રોકોપેડિયા માટે જે માહિતી એકત્ર કરવામાં આવી છે તે xAI ના AI ટૂલ ગ્રોક દ્વારા વેરિફાય કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, ગ્રોક દ્વારા પણ ઘણીવાર ખોટી માહિતી જનરેટ થતી હોવાના કારણે, આ નવી માહિતીની વાસ્તવિકતા વિશે શંકા પ્રવર્તી રહી છે.
વિકિપીડિયા અને ગ્રોકોપેડિયા વચ્ચેના મુખ્ય તફાવતો
બંને પ્લેટફોર્મ એકબીજાને મળતા આવતા હોવા છતાં, તેમની કાર્યપદ્ધતિમાં કેટલાક મોટા તફાવતો છે:
યુઝર એડિટિંગ: વિકિપીડિયા એક ઓપન પ્લેટફોર્મ છે, જ્યાં દુનિયાભરના યુઝર્સ પેજને એડિટ કરી શકે છે, સૂચનો આપી શકે છે અને માહિતી ઉમેરી શકે છે. આ જ કારણ છે કે વિકિપીડિયાની પોલિસી ખૂબ પારદર્શક છે અને તે સતત સુધરતું રહે છે. તેનાથી વિપરીત, ગ્રોકોપેડિયા પર યુઝર્સ પેજને એડિટ નથી કરી શકતા. જોકે કેટલાક પેજ પર એડિટ બટન દેખાય છે, પરંતુ યુઝર્સ તેમાં કોઈ બદલાવ કરી શકતા નથી.
લેખોની સંખ્યા: વિકિપીડિયા, જેની શરૂઆત 2001 માં થઈ હતી, તેમાં અંગ્રેજીમાં 70 લાખ થી વધુ પેજ છે અને તે માહિતીનો એક મજબૂત આધાર સ્તંભ બની ચૂક્યો છે. બીજી તરફ, ગ્રોકોપેડિયા પર હાલમાં લગભગ 8,85,000 આર્ટિકલ છે અને તેની હજી શરૂઆત જ થઈ છે.
માલિકી અને સંચાલન: વિકિપીડિયા એક નોન-પ્રોફિટ સંસ્થા વિકિમિડિયા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે, જે તેને દુનિયાની એક માત્ર ટોચની વેબસાઇટ બનાવે છે જે બિન-નફાકારક રીતે ચાલે છે. જ્યારે ગ્રોકોપેડિયા એક વ્યાપારી કંપની xAI નો ભાગ છે.
ક્લાયમેટ ચેન્જ પર વિવાદાસ્પદ મત
ગ્રોકોપેડિયાનો સૌથી મોટો વિવાદ ક્લાયમેટ ચેન્જ જેવા સંવેદનશીલ વૈજ્ઞાનિક વિષય પર અલગ મત રજૂ કરવાને લઈને છે.
વિકિપીડિયા: વિકિપીડિયા સ્પષ્ટપણે કહે છે કે મોટાભાગના વૈજ્ઞાનિકો સહમત છે કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને તે માનવ પ્રવૃત્તિઓના કારણે થાય છે.
ગ્રોકોપેડિયા: ગ્રોકોપેડિયા માત્ર એક પેરાગ્રાફમાં દાવો કરે છે કે માનવ પ્રવૃત્તિઓને કારણે તાપમાન વધી રહ્યું છે એ વિશે વૈજ્ઞાનિકો એકમત છે એ એકદમ ખોટી વાત છે. તે વધુમાં કહે છે કે આ તારણ સાહિત્ય સમીક્ષામાં માત્ર અમુક જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે.આ વિરોધાભાસી અને વિવાદાસ્પદ માહિતી ગ્રોકોપેડિયાની વિશ્વસનીયતા પર વધુ સવાલો ઉભા કરે છે.
સમય જતાં એ જોવાનું રહેશે કે ઇલોન મસ્કની ગ્રોકોપેડિયા વિકિપીડિયા જેવી મોટી અને વિશ્વસનીય વેબસાઇટ સામે કેવી રીતે ટકી રહે છે, અને શું તે કોપીરાઈટ અને માહિતીની સચોટતાના મુદ્દાઓને ઉકેલી શકે છે.










