ગુજરાતમાં ભ્રષ્ટાચારનો ગ્રાફ 15% વધ્યો! વર્ષ 2025માં ACBએ સપાટો બોલાવી 213 ગુના નોંધ્યા અને 13 ક્લાસ-1 અધિકારીઓને ઝડપી પાડ્યા. જાણો કયો વિભાગ છે સૌથી વધુ ભ્રષ્ટ અને કેવી રીતે પકડાયા લાંચિયા બાબુઓ.

અમદાવાદ, શનિવાર
ગુજરાત વિકાસની દ્રષ્ટિએ મોડલ સ્ટેટ ગણાય છે, પરંતુ હવે ભ્રષ્ટાચારના આંકડા જોઈને લાગે છે કે અહીં પણ રાજ્ય નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વર્ષ 2025નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ACBએ આ એક વર્ષમાં સપાટો બોલાવીને ભ્રષ્ટાચારના ડામવા કડક કાર્યવાહી કરી છે.
ભ્રષ્ટાચારનો ગ્રાફ 15 ટકા ઉંચકાયો
ACBના રિપોર્ટ મુજબ, વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં લાંચના કેસોમાં સીધો 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. ACBએ વર્ષ 2025માં ટ્રેપ, ડીકોય અને અપ્રમાણસર મિલકત સહિતના કુલ 213 ગુના નોંધ્યા હતા. જેમાં કુલ 310 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ આંકડા સાબિત કરે છે કે સરકારી કચેરીઓમાં હજુ પણ કામ અને દામની નીતિ જોરશોરથી ચાલી રહી છે.
કયા વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર?
સામાન્ય જનતાને જ્યાં સૌથી વધુ કામ પડે છે, તેવા વિભાગો જ ભ્રષ્ટાચારમાં મોખરે છે.
ગૃહ વિભાગ: સૌથી વધુ 62 ગુના.
મહેસૂલ વિભાગ: 32 ગુના.
પંચાયત અને ગ્રામ વિકાસ: 26 ગુના.
આ આંકડા દર્શાવે છે કે પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર કચેરી, પૈસા આપ્યા વગર કામ કરાવવું મુશ્કેલ બની રહ્યું છે.
મોટા માથાઓ પણ સકંજામાં: વર્ગ-1ના 13 અધિકારી ઝડપાયા
ACBએ માત્ર નાના કર્મચારીઓ જ નહીં, પણ મોટા અધિકારીઓ સામે પણ લાલ આંખ કરી છે. વર્ષ 2025ની કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓનું લિસ્ટ કંઈક આવું છે:
વર્ગ-1ના અધિકારીઓ: 13
વર્ગ-2ના અધિકારીઓ: 35
વર્ગ-3ના કર્મચારીઓ: 134
વર્ગ-4ના કર્મચારીઓ: 5
આ ઉપરાંત, સત્તાનો દુરુપયોગ કરવાના 4 ગંભીર ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે.
વચેટીયાઓનો રાફડો ફાટ્યો
હવે સીધી લાંચ લેવાને બદલે અધિકારીઓ પકડાઈ જવાની બીકે વચેટીયા મારફતે પૈસા લેવાનું પસંદ કરે છે. જોકે, ACBએ આ મોડસ ઓપરેન્ડી પણ તોડી પાડી છે. 2025માં અધિકારીઓ વતી લાંચ લેતા 123 જેટલા ખાનગી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જે એક મોટો આંકડો છે.
કરોડોની બેનામી સંપત્તિનો પર્દાફાશ
પગાર કરતા અનેક ગણી સંપત્તિ વસાવનારા બાબુઓ પર પણ તવાઈ આવી છે. ACBએ અપ્રમાણસર મિલકતના કુલ 16 કેસ નોંધ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓ પાસેથી કુલ 16.59 કરોડ રૂપિયાની એવી સંપત્તિ મળી આવી હતી, જેનો કોઈ હિસાબ તેમની આવક સાથે મળતો નહોતો. આ તમામ મિલકતો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, કુલ મળીને વર્ષ 2025માં ACBએ 174 ટ્રેપ અને 19 ડીકોય કેસ કરીને ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. જોકે, વધતા જતા આંકડા એ પણ સૂચવે છે કે સિસ્ટમમાં હજુ ઉંડી સફાઈની જરૂર છે.











