નીટ આંદોલન ચલાવતી કાકરોચ જનતા પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. મનીષ બ્રહ્મભટ્ટે પક્ષથી અલગ થઈને ‘CJP ડેમોક્રેટિક’ નામે નવા સંગઠનની રચના કરી છે અને નેતૃત્વ પર આંદોલન વેચી દેવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

નીટ (NEET) પેપર લીક મુદ્દે દેશવ્યાપી આંદોલન ચલાવીને ચર્ચામાં આવેલી કાકરોચ જનતા પાર્ટી (CJP) માં મોટું ભંગાણ સર્જાયું છે. અમદાવાદના આંદોલનકારી મનીષ બ્રહ્મભટ્ટે પક્ષ સાથેના તમામ સંબંધો તોડી નાખીને ‘કોકરોચ જનતા પાર્ટી ડેમોક્રેટિક’ નામે નવા સંગઠનની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે મૂળ પક્ષના નેતૃત્વ પર આંદોલનને ‘હાઈજેક’ કરવાનો અને રાજકીય સ્વાર્થ સાધવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
દિલ્હી આંદોલન બાદ વિવાદ અને મુખ્ય આરોપો
-
આંદોલનનું હાઈજેકિંગ: દિલ્હીના જંતર-મંતર ખાતે નીટ પેપર લીક સામે યોજાયેલા પ્રદર્શનોમાં મહત્વની ભૂમિકા ભજવનાર મનીષ બ્રહ્મભટ્ટે દાવો કર્યો છે કે, આંદોલનના બીજા તબક્કામાં પક્ષના આંતરિક નેતૃત્વમાં ખેંચતાણ વધી હતી. જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોને બાજુ પર ધકેલી દેવામાં આવ્યા હતા અને અભિજીત દીપકે પોતાની અલગ ટીમ બનાવી લીધી હતી.
-
રાજકીય સમજુતીનો આરોપ: અણ્ણા હજારેના આંદોલનની જેમ જ વિદ્યાર્થીઓના આ આંદોલનનો ઉપયોગ પોતાના રાજકીય હિતો માટે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. અરવિંદ કેજરીવાલ સાથે કથિત સમજૂતી કરીને આખું આંદોલન વેચી દેવાયું હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
CJP ડેમોક્રેટિકનો આગળનો રોડમેપ
મનીષ બ્રહ્મભટ્ટે સ્પષ્ટ કર્યું છે કે નવું સંગઠન ‘કોકરોચ જનતા પાર્ટી ડેમોક્રેટિક’ વિદ્યાર્થીઓ અને આંદોલનના મૂળ મુદ્દાઓને જ આગળ ધપાવશે. આ સંગઠન કોઈપણ રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ કામ નહીં કરે અને સંપૂર્ણપણે તટસ્થ રહીને શિક્ષણ વ્યવસ્થાના સુધારા માટે લડત ચાલુ રાખશે. અગાઉ CJP દ્વારા દેશભરમાં નીટ પરીક્ષા રદ કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે સંગઠન બે ભાગમાં વહેંચાઈ જતાં આ આંદોલનની અસરકારકતા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.











