ગાંધીનગરમાં ગેરકાયદેસર રેતી ખનન પર કલેક્ટરની તવાઈ, 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

આ કાર્યવાહી દર્શાવે છે કે, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે અને કડક પગલાં લેવા માટે કટિબદ્ધ છે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે કલેક્ટર મેહુલ કે. દવેની સૂચનાથી વહીવટી તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી છે. એક જ દિવસમાં 06 વાહનો સહિત આશરે 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક લગામ કસવા માટેની કટિબદ્ધતા દર્શાવે છે.

ઇન્દ્રોડા-શાહપુરમાં નદીપટ્ટ પર દરોડા
હાલમાં જ્યારે પાણીના સ્તર વધી રહ્યા છે, ત્યારે નદી કિનારા અને નદીના પટવિસ્તારમાં કોઈ પણ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ન થાય તે સુનિશ્ચિત કરવા કલેક્ટર મેહુલ કે. દવેએ ખાસ સૂચનાઓ આપી છે. આ સૂચનાના પગલે, ગાંધીનગર જિલ્લાની ભૂસ્તર ટીમ દ્વારા તા. 03/07/2025 ના રોજ સાંજે આશરે 05:30 કલાકે ઇન્દ્રોડા-શાહપુર ગામના પ્રતિબંધિત સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક રેડ કરવામાં આવી હતી.

આ રેડ દરમિયાન, 03 ટ્રેક્ટરો બિનઅધિકૃત સાદી રેતી ખનિજનું ખનન કરી વહન કરતા ઝડપાઈ ગયા હતા. આ ટ્રેક્ટરોના નંબર GJ-18-EB-3294, GJ-18-BE-2479 અને GJ-18-H-6449 હતા. આ તમામ ટ્રેક્ટરોના માલિકો અજય જયંતીભાઈ વણઝારા (ઇન્દ્રોડા, ગાંધીનગર) હોવાનું સામે આવ્યું છે. આ વાહનોને સીઝ કરીને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા છે.

ચેકપોસ્ટ પર પણ કાર્યવાહી
ઇન્દ્રોડા-શાહપુર ઉપરાંત, જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ભૂસ્તર ટીમે કાર્યવાહી કરી હતી. ઉવારસદ-વાવોલ રોડ પરથી એક ડમ્પર નં. GJ-18-BV-8799 રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતું પકડાયું હતું. શેરથા પાસેથી અન્ય એક ડમ્પર પણ રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રેતી વહન કરતું ઝડપાયું હતું.

આ ઉપરાંત, ગાંધીનગરની ચિલોડા ચેકપોસ્ટ ખાતેથી એક ડમ્પર રોયલ્ટી પાસમાં દર્શાવેલી માત્રા કરતાં વધુ સાદી રેતી ખનિજનું ઓવરલોડ વહન કરતું પકડાયું હતું.

કુલ 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
આમ કુલ 06 વાહનો અને તેની સાથે આશરે 1.10 કરોડની ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારની મહેસૂલી આવકમાં વધારો કરવા અને બિનઅધિકૃત ખનિજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય કાર્યવાહી કરવા માટે સતત ચેકિંગ અને કામગીરી કરવામાં આવે છે.

જપ્ત કરાયેલા વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બિનઅધિકૃત ખોદકામ કરાયેલ સાદી રેતી ખનિજના ખાડાના જથ્થાની માપણી કરીને દંડકીય રકમની વસૂલાત અંગેની કાર્યવાહી પણ કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!