રેલવેના આ પગલાથી લાખો પ્રવાસીઓને રાહત મળશે અને ભારતીય રેલવેની સેવાઓ વધુ સુવિધાજનક બનશે.

નવી દિલ્હી, શુક્રવાર
ભારતીય રેલવેએ ટ્રેન પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જશે, કારણ કે રેલવે મંત્રાલયે વેઇટિંગ લિસ્ટ ટિકિટની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. આ નિર્ણયથી લાખો પ્રવાસીઓની ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેવી ચિંતાનો અંત આવશે.
શું છે નવો નિયમ?
રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ, હવે કોઈપણ ટ્રેનમાં કુલ સીટના વધુમાં વધુ 25 ટકા જ વેઇટિંગ ટિકિટ જાહેર કરવામાં આવશે. આ નિયમ AC ફર્સ્ટ ક્લાસ, AC સેકન્ડ , AC થર્ડ, સ્લીપર અને ચેર કાર સહિત તમામ કોચને લાગુ પડશે.
ઉદાહરણ તરીકે જો કોઈ ટ્રેનમાં 1000 સીટ ઉપલબ્ધ હોય, તો ફક્ત 250 વેઇટિંગ ટિકિટ જ ઇશ્યુ કરવામાં આવશે. આ નિર્ણય દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટેના રિઝર્વેશન ક્વોટાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કઈ ટ્રેનોને લાગુ પડશે આ નિયમ?
આ નવો નિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો, મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ જેવી તમામ પ્રકારની ટ્રેનોને લાગુ પડશે. રેલવે અધિકારીઓના મતે, ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધીમાં લગભગ 20થી 25 ટકા વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ જતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ પોલિસી બનાવવામાં આવી છે.
જૂનો નિયમ શું હતો?
જાન્યુઆરી 2013ના સર્ક્યુલર અનુસાર, અત્યાર સુધી AC ફર્સ્ટ ક્લાસમાં 30, AC સેકન્ડમાં 100, થર્ડ ACમાં 300 અને સ્લીપર ક્લાસમાં 400 સુધી વેઇટિંગ ટિકિટ જાહેર કરવામાં આવતી હતી. જેના કારણે પ્રવાસીઓને છેલ્લી ઘડીએ ટિકિટ કન્ફર્મ થવા અંગે અનિશ્ચિતતા રહેતી હતી.
પ્રવાસીઓને શું ફાયદો થશે?
આ નવા નિયમથી પ્રવાસીઓને અનેક ફાયદા થશે.
* કન્ફર્મ ટિકિટની શક્યતા વધશે: વેઇટિંગ લિસ્ટ મર્યાદિત થવાથી કન્ફર્મ ટિકિટ મળવાના ચાન્સ વધી જશે.
* ચિંતાનો ઘટાડો: છેલ્લી ઘડીએ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની ચિંતામાંથી મુક્તિ મળશે.
* વધુ સારું પ્લાનિંગ: પ્રવાસીઓ પોતાની મુસાફરીનું વધુ સારી રીતે પ્લાનિંગ કરી શકશે.











