AMTS બસ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારોને વળતર મળવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ, મંગળવાર
અમદાવાદના રસ્તાઓ પર દોડતી AMTS બસો હવે લોકો માટે સગવડને બદલે જોખમ બની રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત આ સર્વિસના છેલ્લા 6 વર્ષના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, AMTS બસોએ 69 નિર્દોષ લોકોનો જીવ લીધો છે, જ્યારે 1,456 અકસ્માત પણ નોંધાયા છે. આ આંકડા અમદાવાદના ટ્રાફિક અને બસ સર્વિસની ખરાબ સ્થિતિને સ્પષ્ટપણે દર્શાવે છે.
બ્રેકડાઉન અને અકસ્માતનો ગ્રાફ ઊંચો
છેલ્લા 6 વર્ષના ડેટા મુજબ AMTS બસોની હાલત ખૂબ જ ચિંતાજનક છે. કુલ 76,458 બસો રસ્તા પર ચાલતી વખતે બગડી હતી, જેનો અર્થ એ થાય છે કે દરરોજ સરેરાશ 50 બસો ખરાબ થાય છે. આના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી.
અકસ્માતોની વાત કરીએ તો, છેલ્લા 6 વર્ષમાં 1,456 અકસ્માત નોંધાયા છે, એટલે કે સરેરાશ દરરોજ 2 અકસ્માત થાય છે. આ અકસ્માતોમાં 69 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે બસોની જાળવણી અને ડ્રાઇવરની તાલીમમાં ગંભીર બેદરકારી છે.
વળતરના કેસ પેન્ડિંગ, સત્તાધીશોની બેદરકારી
AMTS બસ અકસ્માતમાં ભોગ બનેલા પરિવારોને વળતર મળવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્ટમાં વળતરના 323 કેસ હજુ પણ પેન્ડિંગ છે. સત્તાપક્ષનું કહેવું છે કે બસ ખરાબ થાય તો 2 કલાકમાં રિપેર ન થાય તો પ્રતિ દિવસ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. જોકે, આ નિયમોનો અમલ કેટલો થાય છે તે એક મોટો પ્રશ્ન છે. અકસ્માતના કિસ્સાઓમાં, ડ્રાઇવરોને તાલીમ આપવામાં આવે છે અને જરૂર પડે તો કાર્યવાહી પણ થાય છે. પરંતુ, આ પ્રયાસો પૂરતા નથી એવું આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે.
મુસાફરોની માંગણી છે કે બસની ફ્રિક્વન્સી વધારવામાં આવે જેથી સમયનો બગાડ ન થાય અને ડ્રાઇવરો બેફામ સ્પીડમાં બસ ન ચલાવે. AMTS સેવાના ખાનગીકરણ બાદ સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મુસાફરોને સારી બસોમાં મુસાફરી કરવા મળે છે, પરંતુ સાથે જ જોખમ પણ એટલું જ વધી રહ્યું છે.










