અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતા ગંદા ખેલનો પર્દાફાશ, ઈસ્કોન અને આંબાવાડીમાં પોલીસ ત્રાટકી, 2ની ધરપકડ

અમદાવાદ પોલીસે ઈસ્કોન-આંબલી અને આંબાવાડી વિસ્તારમાં ધમધમતા 2 સ્પા સેન્ટરો પર દરોડા પાડીને દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રોકડ રકમ અને મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સમગ્ર અહેવાલ.

અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. આ દિશામાં કડક કાર્યવાહી કરતા અમદાવાદ પોલીસે શહેરના પોશ ગણાતા બે વિસ્તારોમાં સપાટો બોલાવ્યો છે. ઈસ્કોન-આંબલી રોડ અને આંબાવાડી વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરોમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે.

સૌથી પહેલા વાત કરીએ ઈસ્કોન – આંબલી રોડની, તો અહીં આવેલા વનવર્લ્ડ વેસ્ટ કોમ્પ્લેક્ષમાં ધમધમતા ધી ઝીરો સ્પા પર સરખેજ પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અહીં સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું છે. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે એક પ્લાન બનાવ્યો અને ડમી ગ્રાહકને સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકનો ઈશારો મળતા જ પોલીસે રેડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને રિસેપ્શન પરથી રોકડ રકમ મળી આવી હતી, જ્યારે એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે એક યુવતી મળી આવી હતી. સ્પાના અન્ય રૂમોની તપાસ કરતા ત્યાંથી પણ બીજી 3 યુવતીઓ મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સ્પાની મહિલા સંચાલિકા અને મેનેજર ગ્રાહકો પાસેથી પૈસા લઈને દેહવ્યાપાર કરાવતા હતા. અહીં કામ કરતી યુવતીઓને ફિક્સ પગાર આપવામાં આવતો હતો અને નવાઈની વાત એ છે કે આ સ્ટાફનું કોઈ પોલીસ વેરિફિકેશન પણ કરાવવામાં આવ્યું નહોતું. પોલીસે આ મામલે મહિલા સંચાલિકા અને મેનેજરની ધરપકડ કરી, રોકડ રકમ અને CCTVના DVR સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બીજી તરફ, આંબાવાડી વિસ્તારમાં પણ પોલીસે આવી જ એક કાર્યવાહી કરી છે. અહીં આવેલા શ્રી કૃષ્ણા કોમ્પ્લેક્ષમાં ચાલતા લેમન આયુર્વેદિક સ્પા પર પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં પણ પોલીસે ડમી ગ્રાહકનો ઉપયોગ કરીને ઓપરેશન પાર પાડ્યું હતું. રેડ દરમિયાન સ્પાના રૂમમાંથી એક મહિલા અને ડમી ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવ્યા હતા, જે સાબિત કરતું હતું કે અહીં મસાજની આડમાં શારીરિક સુખનો વેપાર થતો હતો. પોલીસે કાઉન્ટર પર તપાસ કરતા ડમી ગ્રાહક દ્વારા આપવામાં આવેલી ચલણી નોટો મળી આવી હતી. આ ઉપરાંત સ્થળ પરથી રોકડ અને વાંધાજનક વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. જોકે, પોલીસની રેડ પડે તે પહેલાં જ સ્પાનો મુખ્ય સંચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે બંને કેસમાં ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!