શેકેલા ચણામાં ચમક વધારવા માટે પ્રતિબંધિત અને કેન્સરકારક ઓરામાઇન ડાઇનો ગેરકાયદેસર ઉપયોગ! રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકારને તાત્કાલિક પગલાં લેવા પત્ર લખ્યો, FSSAIની દેખરેખ પર સવાલ. જાણો આ ઝેરી કેમિકલ કેટલું ખતરનાક છે.

નવી દિલ્હી, બુધવાર
દેશભરમાં વેચાતા શેકેલા ચણાની ચમક વધારવા માટે તેમાં એક અત્યંત ઝેરી કેમિકલનો ઉપયોગ થતો હોવાનો ગંભીર ખુલાસો થયો છે. આ મામલો હવે રાજકારણનું કેન્દ્ર બન્યો છે, જ્યારે રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ મુદ્દે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનને પત્ર લખ્યો છે.
કપડાં રંગવાનો ઝેરી ડાઇ ખોરાકમાં ભળ્યો
સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એક રિપોર્ટનો હવાલો આપીને પત્રમાં જણાવ્યું છે કે, કપડાં અને ચામડા રંગવા માટે વપરાતી ‘ઓરામાઇન’ નામની ઔદ્યોગિક ડાઇનો ગેરકાયદેસર ઉપયોગ શેકેલા ચણાની આકર્ષકતા વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.
ઓરામાઇન ડાઇ એક એવું કેમિકલ છે, જેના પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006 (FSSAI) દ્વારા માનવ વપરાશ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઓરામાઇનથી કેન્સરનો મોટો ખતરો
આ ઔદ્યોગિક ડાઇ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ની કેન્સર સંશોધન એજન્સીએ પણ આ કેમિકલને કેન્સર પેદા કરી શકે તેવા સંભવિત પદાર્થ તરીકે ગણાવ્યું છે.
નિષ્ણાતોના મતે, ઓરામાઇનના વપરાશથી લીવર, કિડની અને મૂત્રાશયના કેન્સર થવાનો ખતરો રહે છે. એટલું જ નહીં, તે મગજ અને ચેતાતંત્રને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. લાખો ભારતીયો રોજિંદા નાસ્તામાં ચણાનો ઉપયોગ કરે છે, ત્યારે આ ભેળસેળ લાખો લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની છે.
નબળી દેખરેખ અને FSSAI પર સવાલ
સાંસદ ચતુર્વેદીએ તેમના પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આટલો ગંભીર ખતરો હોવા છતાં અને કાયદાકીય પ્રતિબંધ છતાં જો આ ભેળસેળ ખુલ્લેઆમ ચાલી રહી હોય, તો તે FSSAIની નિયમનકારી દેખરેખની મોટી નિષ્ફળતા દર્શાવે છે.
તેમણે આરોપ લગાવ્યો કે, બજાર પર નબળી દેખરેખ, નિયમિત ટેસ્ટિંગનો અભાવ અને કાયદાના અમલમાં રહેલી ખામીઓને કારણે આ જોખમી પ્રથા કોઈ પણ ડર વિના ચાલુ રહી છે. તેમણે ભૂતકાળમાં ભેળસેળયુક્ત કફ સિરપને કારણે થયેલા મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો અને સરકારને લોકોના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે.
તાત્કાલિક તપાસ અને સખત કાર્યવાહીની માંગ
પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય મંત્રીઓને આ સમગ્ર મામલાની તાત્કાલિક અને ગહન તપાસ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે માંગણી કરી છે કે, આ ખાદ્ય સુરક્ષાના ભંગ માટે જવાબદાર તમામ દોષિતો સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ ખાદ્ય પદાર્થોમાં આ પ્રકારની ઝેરી ભેળસેળ કરવાની હિંમત ન કરે.











