હિંમતનગર: ગડકરીના આગમન પહેલાં ગોઝારો અકસ્માત, GIDC બ્રિજ પર એન્જિનિયર સહિત 4ના કમકમાટીભર્યા મોત

સાબરકાંઠાના હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એન્જિનિયર સહિત 4 લોકોના મોત થયા છે. કેન્દ્રીય મંત્રીના આગમન પૂર્વે ચાલી રહેલી કામગીરી દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ.

સાબરકાંઠા, બુધવાર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર GIDC વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે એક કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે. અહીં સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ કરૂણ ઘટના એવા સમયે બની છે જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી હાઈવે નિરીક્ષણ માટે અહીં આવવાના હતા. હાઈવેને સુરક્ષિત અને સમારકામ કરવા માટે ચાલી રહેલી કામગીરી જ આખરે 4 જિંદગીઓ માટે કાળ બનીને આવી હતી.

આ ગોઝારી ઘટનાની વિગતો એવી છે કે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી હિંમતનગર-ચિલોડા હાઈવેના નિરીક્ષણ માટે આવવાના હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા હાઈવે પર રહેલી ક્ષતિઓ દૂર કરવા અને રસ્તાના સમારકામ માટે રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી હતી. આ કામગીરીના ભાગરૂપે GIDC ઓવરબ્રિજ પર પણ સ્ટાફ હાજર હતો અને કામ ચાલી રહ્યું હતું.

વહેલી સવારના સમયે જ્યારે એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ રોડ રોલરની મદદથી કામ કરી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલું ટ્રેલર સીધું જ કામ કરી રહેલા રોડ રોલર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે રોડ રોલર અને ટ્રેલર બંને પલટી ખાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા 3 શ્રમિકો અને કોન્ટ્રાક્ટ એજન્સીના 1 એન્જિનિયર એમ કુલ 4 લોકો વાહનો નીચે કચડાઈ જતા તેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. વીઆઈપી મુવમેન્ટને લઈ હાઈવેને સારા અને સુરક્ષિત બનાવવાની લ્હાયમાં જે કામગીરી ચાલી રહી હતી, તે જ કામગીરી દરમિયાન આ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેણે તંત્રની કામગીરી અને સેફ્ટીના ધોરણો સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!