દિવાળીના તહેવારો અને મીની વેકેશન દરમિયાન ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળો અને યાત્રાધામોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

દિવાળીના તહેવારો અને મીની વેકેશન દરમિયાન ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળો અને યાત્રાધામોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સંઘપ્રદેશ દીવથી લઈને દ્વારકા અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સુધી દેશભરમાંથી હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હોટલ, રિસોર્ટ, બજારો અને પાર્કિંગ સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યાં છે. બીજી તરફ, રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ ગુજરાતીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
દીવ ફરી બન્યું સહેલાણીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન
દિવાળીના મીની વેકેશનમાં સંઘપ્રદેશ દીવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાસણ અને સોમનાથની સાથે દીવમાં પણ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી રહ્યા છે.
દીવના નાગવા બીચ, ઘોઘલા બીચ અને ચક્રતીર્થ બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઐતિહાસિક દીવ કિલ્લો, પાણી કોઠા અને સેન્ટ પોલ ચર્ચ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
પ્રવાસીઓના ધસારાને કારણે હોટલ, રિસોર્ટ અને બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. તહેવાર નિમિત્તે દીવ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યું છે. રાત્રિના સમયે શહેરની આકર્ષક સજાવટ પ્રવાસીઓનું ધ્યાન ખેંચી રહી છે. લાભપાંચમ સુધી પ્રવાસીઓનો ધસારો યથાવત રહેવાની શક્યતા છે.
સોમનાથ અને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ
દિવાળીની રજાઓ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પહોંચી રહ્યા છે.
દ્વારકા-જામનગર હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓને લઈને આવતા નાના-મોટા વાહનોના ધસારાને કારણે દ્વારકામાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે પણ દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ પરિવાર સાથે પહોંચી રહ્યા છે. પ્રવાસીઓની ભીડને કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટનું પાર્કિંગ પણ ભરાઈ ગયું છે. આગામી દિવસોમાં પણ યાત્રાળુઓનો પ્રવાહ ચાલુ રહેવાની શક્યતા છે.
માઉન્ટ આબુમાં ગુજરાતીઓનો ધસારો
દિવાળી બાદ ફરવા જવાના આયોજનમાં ગુજરાતીઓની પહેલી પસંદગીમાં માઉન્ટ આબુનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના આ એકમાત્ર હિલ સ્ટેશનમાં અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી રહ્યા છે.
માઉન્ટ આબુની નક્કી લેક રોશનીથી ઝળહળી ઊઠી છે. રાત્રિના સમયે રંગબેરંગી લાઇટિંગ અને ફુવારાઓનો નજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટ હાઉસફુલ થઈ રહ્યાં છે, જ્યારે રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે.
પ્રવાસીઓની સુવિધા માટે નગરપાલિકા દ્વારા અલગ-અલગ પાર્કિંગ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે. નક્કી લેક પર લાઇટિંગ અને ફુવારાઓ પણ શરૂ કરવામાં આવ્યાં છે. ગુજરાતીઓના ધસારાને કારણે માઉન્ટ આબુમાં પ્રવાસન વ્યવસાયમાં પણ તેજી જોવા મળી રહી છે.










