ભારત આવવા ઇચ્છતા વિદેશી નાગરિકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિઝા અરજીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે વિઝાની મુખ્ય કેટેગરી અને સબ-કેટેગરીની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

ભારત આવવા ઇચ્છતા વિદેશી નાગરિકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વિઝા અરજીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે વિઝાની મુખ્ય કેટેગરી અને સબ-કેટેગરીની સંખ્યામાં ઘટાડો કર્યો છે. હવે મુખ્ય વિઝા કેટેગરી 13થી ઘટાડીને 9 કરવામાં આવી છે. જ્યારે સબ-કેટેગરીની સંખ્યા 49થી ઘટાડીને 23 કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો હેતુ વિઝા સિસ્ટમને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવાનો છે. તેનાથી ભારત આવનારા વિદેશી નાગરિકોને પોતાની મુસાફરીના હેતુ પ્રમાણે યોગ્ય વિઝા પસંદ કરવામાં સરળતા રહેશે.
વિઝાની મુખ્ય કેટેગરી 13થી ઘટીને 9 થઈ
સરકારે વિઝા વ્યવસ્થામાં ફેરફાર કરીને મુખ્ય કેટેગરીની સંખ્યા 13થી ઘટાડીને 9 કરી છે. આ ઉપરાંત, સબ-કેટેગરીની સંખ્યા પણ 49થી ઘટાડીને 23 કરવામાં આવી છે.
નવી વ્યવસ્થામાં પર્યટન, સારવાર, અભ્યાસ, સંશોધન, રોકાણ અને વેપાર જેવા હેતુઓ માટે ભારત આવતા વિદેશી નાગરિકોને સરળતા મળશે. હવે અલગ-અલગ વિઝા વિકલ્પોમાંથી યોગ્ય કેટેગરી પસંદ કરવી વધુ સરળ બનશે.
વિઝા અરજી ફોર્મમાં 65થી 70 ટકા સુધી ઘટાડો
વિઝાની કેટેગરી ઘટાડવાની સાથે સરકારે અરજી ફોર્મમાં પણ મોટો ફેરફાર કર્યો છે. ગૃહ મંત્રાલયની માહિતી પ્રમાણે, તમામ 23 સબ-કેટેગરીનાં અરજી ફોર્મમાં માહિતી ભરવાની કોલમની સંખ્યા 65થી 70 ટકા સુધી ઘટાડવામાં આવી છે.
આનો અર્થ એ છે કે વિદેશી નાગરિકોએ વિઝા માટે અરજી કરતી વખતે અગાઉની સરખામણીએ ઘણી ઓછી વિગતો આપવી પડશે. તેનાથી અરજી પ્રક્રિયા સરળ બનશે અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં પણ સમય બચશે.
ઓક્ટોબર 2025માં પણ સરકારે કર્યો હતો ફેરફાર
વિઝા સિસ્ટમને સરળ બનાવવાની દિશામાં સરકારે ઓક્ટોબર 2025માં પણ મહત્વનો ફેરફાર કર્યો હતો. તે સમયે મુખ્ય વિઝા કેટેગરી 22થી ઘટાડીને 13 કરવામાં આવી હતી. જ્યારે સબ-કેટેગરી 63થી ઘટાડીને 49 કરાઈ હતી.
હવે બીજા તબક્કામાં વધુ ઘટાડો કરીને મુખ્ય કેટેગરી 9 અને સબ-કેટેગરી 23 કરવામાં આવી છે.
પર્યટન, મેડિકલ ટુરિઝમ અને રોકાણને મળશે પ્રોત્સાહન
સરકારને આશા છે કે નવી વિઝા વ્યવસ્થાથી ભારત આવનારા વિદેશી પર્યટકો, સારવાર માટે આવતા દર્દીઓ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને વધુ સુવિધા મળશે.
વિઝા પ્રક્રિયા સરળ બનવાથી ભારતમાં પર્યટન, મેડિકલ ટુરિઝમ, શિક્ષણ અને વિદેશી રોકાણને પ્રોત્સાહન મળી શકે છે. આ ફેરફાર ભારતને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને રોકાણકારો માટે વધુ સુલભ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.










