અકસ્માત બાદ AMTS બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટ્રક ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. તપાસ કરતાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.

કલોલ, મંગળવાર
કલોલ નજીક દંતાલી પાસે આજે એક મોટી દુર્ઘટના ટળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. એક નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે આગળ જતી AMTS બસને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસમાં સવાર 1 મુસાફર ઘાયલ થયો હતો. આ ઘટનાએ ફરી એકવાર દારૂ પીને વાહન ચલાવવાના ગંભીર મુદ્દાને સામે લાવ્યો છે.
ટ્રક ડ્રાઈવરે AMTS બસને ધડાકાભેર ટક્કર મારી
પ્રાથમિક માહિતી મુજબ, AMTS બસ પેસેન્જરોને લેવા માટે ઊભી હતી. આ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રક ડ્રાઈવરે બસને ધડાકાભેર ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં બસમાં સવાર 1 મુસાફરને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, બસનો ડ્રાઈવર અને અન્ય પેસેન્જરોનો આબાદ બચાવ થયો, અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
અકસ્માત બાદ AMTS બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટ્રક ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. તપાસ કરતાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
AMTS બસના ડ્રાઈવરે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને નશામાં ધૂત ટ્રક ડ્રાઈવર, મહાવીરસિંહ ભારતસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો. પોલીસે બસના ડ્રાઈવરની કમ્પ્લેઈનના આધારે આરોપી ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ ઈન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે.











