મહિલા અનામત બિલ પર PM મોદીની ગર્જના: ‘વિરોધ કરનારાને બહેનો માફ નહીં કરે’, સીમાંકન મુદ્દે રાજ્યોને આપી મોટી ગેરંટી

સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન PM મોદીએ વિપક્ષને આડે હાથ લીધા હતા. તેમણે સીમાંકન મુદ્દે રાજ્યોને અન્યાય નહીં થાય તેવી ખાતરી આપી અને બિલના યશ મુદ્દે વિપક્ષને ‘બ્લેન્ક ચેક’ આપ્યો હતો.

નવી દિલ્હી, ગુરુવાર
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. સંસદના વિશેષ સત્રના પ્રથમ દિવસે જ સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation) સહિતના મહત્વના બિલો રજૂ કર્યા છે. આ ઐતિહાસિક ક્ષણ પર લોકસભામાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ બિલ દેશની દિશા અને દશા બંને નક્કી કરશે.

વિરોધ કરનારા પક્ષોને PM મોદીની ચેતવણી
વડાપ્રધાન મોદીએ મહિલા અનામત બિલમાં વિલંબ અંગે વાત કરતા કહ્યું કે, આ કાયદો આજથી 25 થી 30 વર્ષ પહેલા જ લાગુ થઈ જવો જોઈતો હતો. તેમણે વિરોધ પક્ષોને સલાહ આપતા કહ્યું કે, જે પક્ષોએ ભૂતકાળમાં મહિલા અનામતનો વિરોધ કર્યો હતો તેમને જનતાએ અને ખાસ કરીને મહિલાઓએ ક્યારેય માફ કર્યા નથી. જો આ વખતે પણ કોઈ પક્ષ અલગ દિશા પકડશે તો તેને રાજકીય નુકસાન વેઠવું પડી શકે છે. તેમણે ઉમેર્યું કે જો આપણે સૌ સાથે મળીને આ બિલ પસાર કરીશું તો તેનો યશ કોઈ એક પક્ષને નહીં પરંતુ સમગ્ર સંસદને મળશે.

હવે બહેનો ‘વોકલ’ થઈ છે, નિર્ણય પ્રક્રિયામાં હિસ્સો જોઈએ
PM મોદીએ પંચાયતી રાજમાં મહિલા અનામતનો ઉલ્લેખ કરતા એક જૂની માનસિકતા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, પહેલાના સમયમાં નેતાઓને પંચાયતમાં અનામત આપવામાં ડર નહોતો લાગતો કારણ કે ત્યાં તેમની ખુરશી સલામત હતી, પણ સંસદમાં અનામતની વાત આવતા જ તેઓ ડરી જતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. પંચાયતોમાં કામ કરતી લાખો બહેનો હવે જાગૃત અને ‘વોકલ’ થઈ છે. તેઓ હવે માત્ર પંચાયત નહીં પરંતુ સંસદની નિર્ણય પ્રક્રિયામાં પણ સક્રિય ભાગીદારી ઈચ્છે છે.

સીમાંકન મુદ્દે દક્ષિણ ભારતના રાજ્યોને મોટી ખાતરી
મહિલા અનામત બિલના અમલીકરણમાં સીમાંકનને લઈને દક્ષિણ ભારતના રાજ્યોમાં જે ચિંતા છે, તેના પર PM મોદીએ મોટી ગેરંટી આપી છે. તેમણે કહ્યું કે, રાજકીય લાભ માટે વિવાદ ઉભો કરવો વ્યર્થ છે. સીમાંકન પ્રક્રિયામાં કોઈ પણ રાજ્ય સાથે અન્યાય કે ભેદભાવ કરવામાં આવશે નહીં. ભૂતકાળમાં જે રેશિયો ચાલ્યો આવે છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં, તેવું વચન તેમણે ગૃહમાં આપ્યું હતું.

હું પછાત છું અને અખિલેશજી મારા મિત્ર છે: PM નો કટાક્ષ
ચર્ચા દરમિયાન સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે જ્યારે PM મોદીની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો ત્યારે વડાપ્રધાને હળવા અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “ધર્મેન્દ્રજી, હું તમારો આભારી છું કે તમે મારી ઓળખાણ કરાવી. એ વાત સાચી છે કે હું અતિ પછાત સમાજમાંથી આવું છું. અખિલેશજી મારા મિત્ર છે એટલે ક્યારેક આવી રીતે મદદ કરી દે છે.” વડાપ્રધાનના આ વ્યંગથી આખા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

ક્રેડિટનો બ્લેન્ક ચેક: મને યશ નથી જોઈતો
બિલના શ્રેય અંગે વડાપ્રધાને વિપક્ષને મોટી ઓફર આપી હતી. તેમણે કહ્યું કે, ઘણાને એવું લાગે છે કે આમાં મોદીનો કોઈ સ્વાર્થ છે. જો તમે સાથે ચાલશો તો કોઈ એક પક્ષને ફાયદો નહીં થાય. તેમણે કહ્યું, “મને યશ નથી જોઈતો. બિલ પસાર થઈ જાય એટલે હું સરકારી ખર્ચે તમારા ફોટા સાથે એડવર્ટાઈઝમેન્ટ આપીને તમને યશ આપવા તૈયાર છું. આ મહિલાઓનો હક છે જે આપણે દાયકાઓથી રોકી રાખ્યો હતો, આજે એ પાપમાંથી મુક્ત થવાનો અવસર છે.”

 

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!