ઇલોન મસ્કની મુશ્કેલી વધી: મહિલાઓ અને બાળકોના અભદ્ર ફોટા મુદ્દે Grok પર દુનિયા લાલઘૂમ, ભારત સરકારે આપી કડક ચેતવણી

ઇલોન મસ્કના Grok AI દ્વારા બાળકો અને મહિલાઓની અશ્લીલ તસવીરો બનાવવાના વિવાદે જોર પકડ્યું છે. ભારત સરકારે X ને જવાબ આપવા 7 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જાણો ભારત, યુરોપ અને અમેરિકા શું કાર્યવાહી કરી રહ્યું છે.


દિલ્હી, બુધવાર
ટેક જગતના દિગ્ગજ ઇલોન મસ્કની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. તેમની એઆઇ (AI) કંપની xAI નો ચેટબોટ ‘Grok’ હાલમાં આખી દુનિયામાં ટીકાનું કેન્દ્ર બન્યો છે. ડિસેમ્બર 2025માં ગ્રોકમાં આવેલા એક નવા અપડેટ પછી યુઝર્સને ફોટા અપલોડ કરીને એડિટ કરવાની છૂટ મળી હતી, પરંતુ લોકોએ આ સુવિધાનો દુરુપયોગ કરીને ગંભીર વિવાદ ઉભો કરી દીધો છે.

શું છે સમગ્ર વિવાદ?
ગ્રોકના નવા ફીચરનો ઉપયોગ કરીને કેટલાક યુઝર્સે મહિલાઓ અને બાળકોના ફોટા અપલોડ કર્યા અને એઆઈને કપડાં કાઢી નાખો કે બિકિની પહેરાવો જેવા કમાન્ડ આપીને અભદ્ર તસવીરો બનાવી દીધી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આવી અનેક તસવીરો વાયરલ થઈ, જેમાં બાળકોને પણ જાતીય રીતે વાંધાજનક સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા હતા. આ પ્રકારની સામગ્રી બાળ યૌન શોષણની શ્રેણીમાં આવે છે, જેના કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો છે. ચિંતાની વાત એ છે કે મસ્કના આ એઆઈ મોડલ પાસે સુરક્ષા માટેના પૂરતા ‘સેફ્ટી ફિલ્ટર્સ’ નથી. રિપોર્ટ મુજબ, ગ્રોક દ્વારા જનરેટ થયેલી તસવીરોમાં 2% થી વધુ ફોટા 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના હતા.

ભારત સરકારનું કડક વલણ: 7 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ
આ મામલે ભારત સરકારે ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલયે X (અગાઉનું ટ્વિટર) ને નોટિસ ફટકારી છે. સરકારે પૂછ્યું છે કે આવી અશ્લીલ સામગ્રી રોકવા માટે પ્લેટફોર્મે શું પગલાં લીધા છે? સરકારે પહેલા 2 જાન્યુઆરીએ નોટિસ મોકલીને 48 કલાકમાં જવાબ માંગ્યો હતો, પરંતુ X ની ટીમે રજાઓનું કારણ આગળ ધરીને વધુ સમય માંગ્યો હતો. હવે સરકારે તેમને 7 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધીમાં વિગતવાર ‘એક્શન ટેકન રિપોર્ટ’ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

જો X યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ જશે, તો ભારતીય કાયદા હેઠળ મળતું ‘કાનૂની રક્ષણ’ કંપની ગુમાવી શકે છે. આનો અર્થ એ થયો કે પ્લેટફોર્મ પર મુકાતા કન્ટેન્ટ માટે સીધી કંપની જવાબદાર ગણાશે અને ભારતમાં X પર પ્રતિબંધ પણ મૂકવામાં આવી શકે છે.

યુરોપ અને અમેરિકા પણ લાલઘૂમ
માત્ર ભારત જ નહીં, દુનિયાભરના દેશોએ મસ્કની કંપની સામે લાલ આંખ કરી છે:

યુરોપિયન યુનિયન: EU ના પ્રવક્તાએ આ ઘટનાને ‘ઘૃણાસ્પદ અને ગેરકાયદેસર’ ગણાવી છે. ‘ડિજિટલ સર્વિસ ઍક્ટ’ (DSA) હેઠળ જો ગ્રોક દોષી સાબિત થશે, તો મસ્કની કંપની પર તેની કુલ વૈશ્વિક આવકના 6% જેટલો તોતિંગ દંડ ફટકારવામાં આવી શકે છે.

અમેરિકા: અહીં ‘નેશનલ સેન્ટર ઓન સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન’ (NCOSE) એ તપાસની માંગ કરી છે. અમેરિકન ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે AI દ્વારા બનાવાયેલી બાળ શોષણ સામગ્રી ગંભીર ગુનો છે.

અન્ય દેશો: બ્રિટન, બ્રાઝિલ અને મલેશિયાએ પણ X પાસે ખુલાસો માંગ્યો છે અને તાત્કાલિક ધોરણે આવી સામગ્રી દૂર કરવા આદેશ આપ્યો છે.

મસ્કની મજાક અને પછી યુ-ટર્ન
શરૂઆતમાં જ્યારે આ વિવાદ ઉભો થયો, ત્યારે ઇલોન મસ્કે તેને ગંભીરતાથી લેવાને બદલે મજાક ઉડાવી હતી. તેમણે એક ટોસ્ટરને બિકિની પહેરાવેલો ફોટો શેર કરીને હસતું ઇમોજી મૂક્યું હતું. જોકે, ચારે બાજુથી ટીકાઓ થતાં તેમણે પોતાની ભૂલ સુધારી લીધી છે. હવે X ની સેફ્ટી ટીમ દાવો કરી રહી છે કે તેઓ ગેરકાયદેસર કન્ટેન્ટ અને એકાઉન્ટ્સને કાયમી ધોરણે દૂર કરી રહ્યા છે.

AI ટેકનોલોજી જેટલી ઉપયોગી છે, તેનો દુરુપયોગ એટલો જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ગ્રોક વિવાદે સાબિત કર્યું છે કે ટેક કંપનીઓએ પોતાના પ્રોડક્ટ માર્કેટમાં મૂકતા પહેલા તેની સુરક્ષા વ્યવસ્થા ચકાસવી અનિવાર્ય છે. હવે જોવાનું એ રહે છે કે 7 જાન્યુઆરીએ ભારત સરકારના કડક વલણ સામે X શું જવાબ રજૂ કરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!