બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે ચિકન નેક પર 12 ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ લગાવી દીધી છે. જાણો BSF એ કેવી રીતે સરહદને અભેદ્ય બનાવી અને ઘૂસણખોરોનો રસ્તો બંધ કર્યો.

નવી દિલ્હી/સિલીગુડી, બુધવાર
પાડોશી દેશ બાંગ્લાદેશમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસાના પગલે ભારતે પોતાની સુરક્ષા વ્યવસ્થાને અત્યંત કડક બનાવી દીધી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતની શાંતિ ડહોળે નહીં તે માટે ભારતીય સીમા સુરક્ષા દળ (BSF) એ કમર કસી લીધી છે. ખાસ કરીને ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સેનાએ સુરક્ષાનો લોખંડી પહરો ગોઠવી દીધો છે.
ચિકન નેક બન્યું અભેદ્ય કિલ્લો
ભારતીય સેનાએ હવે સરહદ સુરક્ષામાં મોટા ફેરફારો કર્યા છે. આ ક્રમમાં સૌથી મોટું પગલું ભરતા સેનાએ બોર્ડર પર લગભગ 75 ટકા વિસ્તારમાં નવી ડિઝાઇનની સ્માર્ટ ફેન્સિંગ લગાવી દીધી છે. આ માત્ર તારની વાડ નથી, પણ એક એવી સુરક્ષા વ્યવસ્થા છે જેને ભેદવી ઘૂસણખોરો માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
12 ફૂટ ઊંચી ફેન્સિંગ: કાપવી કે કૂદવી અશક્ય
મીડિયા રિપોર્ટ્સ મુજબ, BSF અધિકારીઓએ જણાવ્યું છે કે ભારત-બાંગ્લાદેશ બોર્ડરના સંવેદનશીલ વિસ્તારોમાં 12 ફૂટ ઊંચી ફેન્સિંગ લગાવવામાં આવી છે. આ ફેન્સિંગની ખાસિયતો નીચે મુજબ છે. 12 ફૂટની ઊંચાઈ હોવાથી તેને કૂદીને પાર કરવી લગભગ અશક્ય છે. આ નવી ડિઝાઇનની ફેન્સિંગને કાપવી ખૂબ જ મુશ્કેલ છે. જો કોઈ ઘૂસણખોર તેને કાપવાનો પ્રયાસ કરે તો પણ તેમાં ખૂબ વધારે સમય લાગે છે, જેથી તે દરમિયાન જવાન સતર્ક થઈ જાય છે. આ મજબૂત ફેન્સિંગને કારણે પશુઓની તસ્કરી અને ગેરકાયદેસર ઘૂસણખોરીના બનાવોમાં મોટો ઘટાડો જોવા મળશે.
ત્રીજી આંખ રાખશે નજર: હાઈટેક કેમેરા ગોઠવાયા
માત્ર ફેન્સિંગ જ નહીં, પણ ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચિકન નેક વિસ્તાર ભારત માટે લાઈફલાઈન સમાન છે કારણ કે તે દેશના બાકીના ભાગને ઉત્તર-પૂર્વ (North-East) રાજ્યો સાથે જોડે છે. આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને BSF એ અહીં રિયલ-ટાઇમ લાઈવ ફીડ આપતા આધુનિક PTZ (પૈન-ટિલ્ટ-જૂમ) કેમેરા લગાવ્યા છે. આ કેમેરા રાત-દિવસ સરહદ પર બાજ નજર રાખશે અને ઘૂસણખોરીની હિલચાલ થતાં જ તાત્કાલિક કંટ્રોલ રૂમને એલર્ટ કરશે.
2025માં BSF ની મોટી કાર્યવાહી
સરહદ પરની કડક સુરક્ષાના પરિણામો પણ દેખાવા લાગ્યા છે. ડેટા અનુસાર, વર્ષ 2025 માં BSF એ મોટી સફળતા મેળવી છે. આશરે 8.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં પશુઓ, સોનું-ચાંદી, હથિયારો, દારુગોળો અને વન્યજીવ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ઘૂસણખોરી અને તસ્કરીના પ્રયાસમાં કુલ 440 બાંગ્લાદેશી નાગરિકો, 152 ભારતીય અને 11 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 187 બાંગ્લાદેશી નાગરિકોને પાછા બાંગ્લાદેશને સોંપી દેવામાં આવ્યા છે.











