ગાંધીનગરના સુઘડમાં બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના આપઘાત કેસમાં નવો વળાંક. સટ્ટાની ઉઘરાણીમાં BJP કોર્પોરેટરના પુત્ર અને તલાટીની સંડોવણી ખુલી. પોલીસ તપાસમાં 50 લાખથી વધુના વ્યવહારની શંકા. વાંચો વિગતે.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા જાણીતા બિલ્ડર સાંનિધ્ય ગ્રુપના માલિકના 25 વર્ષીય પુત્ર ઋષભ પટેલના આપઘાત કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લગ્નના માત્ર 13 દિવસ બાદ જીવન ટૂંકાવનાર ઋષભના મોત પાછળ સટ્ટાબજારનું કાળું સત્ય છુપાયેલું હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પકડાયેલા એક આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ સટ્ટાના લાખો રૂપિયાની ઉઘરાણી અને તેના કારણે અપાતો માનસિક ત્રાસ હતો.
સટ્ટાનું કનેક્શન અને BJP નેતાના પુત્રની એન્ટ્રી આ કેસમાં પોલીસે મહિપાલસિંહ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી હતી. તેના રિમાન્ડ પૂરા થતા તેને જેલહવાલે કરાયો છે, પરંતુ તે પહેલાં પોલીસ પૂછપરછમાં તેણે “વટાણા વેરી” દેતા મોટા માથાઓના નામ સામે આવ્યા છે. તપાસમાં ખૂલ્યું છે કે, આ સટ્ટાકાંડનો રેલો ભાજપના એક પૂર્વ કોર્પોરેટરના ઘર સુધી પહોંચ્યો છે.
પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો પુત્ર મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર આ કેસમાં મુખ્ય ભૂમિકામાં છે. મનીષના આઈડી પરથી જ સટ્ટાનો જુગાર રમાતો હતો અને તે પોતે જ આઈડી અને પાસવર્ડ પૂરા પાડતો હતો. હાર-જીતના પૈસાની લેવડદેવડ મહિપાલના પાર્લર પર થતી હતી અને મહિપાલ તેમાં મીડિયેટર (મધ્યસ્થી) તરીકે કામ કરતો હતો.
તલાટી મંત્રી અને મૃતકના સાસરિયાં વચ્ચેનું કનેક્શન આ કેસમાં બીજું મોટું નામ કલ્પેશ ઉર્ફે તલાટીનું ખુલ્યું છે, જે સાણંદના એક ગામમાં તલાટી તરીકે નોકરી કરે છે અને હાલ 15 દિવસથી રજા પર ઉતરી ગયો છે. નવાઈની વાત એ છે કે, આ તલાટી અને ઋષભની પત્ની હેલી એક જ વિસ્તારમાં રહેતા હતા. કુબેરનગરની ભાર્ગવ સોસાયટીમાં રહેતો કલ્પેશ, હેલીના ઘરની નજીક જ રહેતો હતો અને હેલી તેને મામા કહીને બોલાવતી હતી.
પોલીસે જ્યારે વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી ત્યારે કલ્પેશના ઘરે માત્ર તેની બીમાર માતા જ મળી આવ્યા હતા, જ્યારે તેની પત્ની અને તે પોતે ફરાર છે.
અડધા કરોડનો ખેલ અને મામા દેવ પાર્લરની ઘટના પોલીસને શંકા છે કે આ મામલો માત્ર 5-10 લાખનો નથી, પરંતુ અડધા કરોડ (50 લાખથી વધુ) રૂપિયાની આસપાસનો હોઈ શકે છે. મનીષ, કલ્પેશ અને ક્રિશાલ નામના શખ્સો ઋષભ પાસે સતત પૈસાની ઉઘરાણી કરતા હતા. ઋષભે કંટાળીને પાર્લર પર જવાનું બંધ કરી દીધું હતું, છતાં મનીષ તેને સતત ફોન કરીને ધમકાવતો હતો.
બનાવના થોડા સમય પહેલાં, પૈસા કઢાવવા માટે ઋષભને નાના ચિલોડાના મામા દેવ પાર્લર પર બોલાવવામાં આવ્યો હતો. ત્યાં મનીષ અને કલ્પેશ તલાટીએ ઋષભને જાહેરમાં અપમાનિત કરી માર માર્યો હતો. આ ઘટનાથી ઋષભને ખૂબ જ લાગી આવ્યું હતું અને તેને આબરૂ જવાનો ડર હતો.
કેવી રીતે સંપર્કમાં આવ્યા? છેલ્લા દોઢેક વર્ષથી ઋષભ કોઈ કારણસર તેની નાની સાથે રહેતો હતો. તેની નાની જે સોસાયટીમાં રહેતા હતા, ત્યાં જ આરોપી મહિપાલસિંહ રાઠોડ રહેતો હતો. બંને પાડોશી હોવાથી મિત્રતા થઈ હતી અને ઋષભ તેના પાર્લર પર બેસવા જતો હતો. ત્યાં જ તેની મુલાકાત મનીષ, કલ્પેશ અને અન્ય સટ્ટાખોરો સાથે થઈ હતી.
સુસાઈડ નોટ અને પત્ની પર શંકાની સોય ઋષભની કારમાંથી મળેલી સુસાઈડ નોટમાં તેણે પોતાની પત્ની હેલીને ઉદ્દેશીને લખ્યું હતું કે, “હેલી બેટા… ખુશ રહેજે, મને તારા જ માણસોએ મરવા મજબૂર કર્યો છે, તેમને સજા અપાવજે.”
આ વાક્ય અને આરોપીઓનો હેલી સાથેનો જૂનો પરિચય પોલીસ માટે તપાસનો મુખ્ય વિષય બન્યો છે. હેલીના પિતા પહેલાં સબમર્સિબલનું કામ કરતા હતા અને હવે હૃદયની બીમારીને કારણે મીટર રિપેરિંગ કરે છે. પોલીસને હેલીના જવાબો સંતોષકારક લાગ્યા નથી, તેથી આગામી દિવસોમાં હેલી અને તેના પિતાની પણ કડક પૂછપરછ કરવામાં આવશે.
હાલની સ્થિતિ હાલમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી. આર. ખેર અને તેમની ટીમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. વોન્ટેડ આરોપીઓ મનીષ, કલ્પેશ અને ક્રિશાલને પકડવા માટે LCB અને SOG સહિત કુલ 8 ટીમો કામે લાગી છે. ઋષભના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.










