જાણો કેવી રીતે ગુજરાત તેના વ્યૂહાત્મક લોકેશન, મજબૂત પોલિસી અને મોટા રોકાણોને કારણે ભારતનું અગ્રણી ઓટોમોટિવ હબ બન્યું છે. સુઝુકી મોટર્સ જેવી કંપનીઓ કેવી રીતે રાજ્યના EV સેક્ટરમાં ક્રાંતિ લાવી રહી છે તે વિશે અહીં વાંચો.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત, જે એક સમયે મુખ્યત્વે ઔદ્યોગિક ક્ષેત્રે જાણીતું હતું, તે હવે ભારતના ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે ઊભરી રહ્યું છે. રાજ્યનું વ્યૂહાત્મક લોકેશન, સશક્ત માળખાકીય સુવિધાઓ અને રોકાણકારોને આકર્ષતી નીતિઓએ તેને ઓટોમોબાઈલ કંપનીઓ માટે પ્રાઇમ લોકેશન બનાવી દીધું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સે આ પ્રગતિમાં મોટો ફાળો આપ્યો છે.
સુઝુકી મોટર્સની ભૂમિકા અને EV ભવિષ્ય
આ પ્રગતિમાં સૌથી મહત્વનો ફાળો સુઝુકી મોટર્સ ગુજરાતનો રહ્યો છે. કંપનીએ 2014માં રાજ્યમાં મેગા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે MoU સાઇન કર્યા બાદ ગુજરાતનું ઓટો સેક્ટર વધુ ગતિશીલ બન્યું. સુઝુકીનો ગુજરાત પ્લાન્ટ, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 7.5 લાખ કાર યુનિટ્સ છે, તે આજે ભારતમાં ઓટોમોબાઈલ ઉત્પાદનની દ્રષ્ટિએ મોખરે છે. આ પ્લાન્ટે મહેસાણાની આસપાસ ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગમાં મોટા રોકાણોને આકર્ષ્યા છે અને હજારો રોજગારીની તકો ઊભી કરી છે.
પેટ્રોલ કારની સાથે સાથે, ગુજરાત હવે ઇલેક્ટ્રિક વાહનો (EVs)ના ઉત્પાદન માટે પણ તૈયાર છે. સુઝુકી મોટર્સ ગુજરાતે ચોથી પ્રોડક્શન લાઇન માટે 32 બિલિયનનું રોકાણ જાહેર કર્યું છે, જે EV ઉત્પાદન પર ફોકસ કરશે. આ ઉપરાંત, કંપનીએ બેટરી પ્લાન્ટ માટે 7300 કરોડ અને EV મેન્યુફેક્ચરિંગ સુવિધા માટે 3100 કરોડના નવા રોકાણની પણ જાહેરાત કરી છે. આ પહેલ ગુજરાતને EV ઇકોસિસ્ટમમાં અગ્રેસર બનાવશે.
ગુજરાતની વૈશ્વિક પહોંચ
ગુજરાતનું મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેને વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ એક્સપોર્ટ હબ બનાવે છે. 2024માં, ગુજરાતમાંથી દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, જાપાન, UAE અને ચિલી જેવા દેશોમાં લગભગ 3459 કરોડના ઓટોમોબાઈલની નિકાસ થઈ હતી.
આ સફળતા માત્ર વર્તમાન જ નહીં, ભવિષ્યની પણ વાત કરે છે. ફાઇનાન્સિયલ યર 2022-23માં ગુજરાતના ઓટોમોબાઈલ સેક્ટરમાં 29700 કરોડનું માતબર રોકાણ નોંધાયું હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં 16.4%ના CAGRનો મજબૂત ગ્રોથ દર્શાવે છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાત ઓટોમોટિવ સેક્ટરમાં સતત આગળ વધી રહ્યું છે.
ઉત્તર ગુજરાતમાં આવેલું માંડલ બેચરાજી SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) એક મુખ્ય ઓટો-ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આ પ્રગતિને દર્શાવવા માટે આગામી ઑક્ટોબર 9-10, 2025ના રોજ મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે, જે રોકાણકારો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતની આ પ્રગતિ દર્શાવે છે કે તે માત્ર ભારતનું જ નહીં, પરંતુ એક વૈશ્વિક ઓટોમોટિવ પાવરહાઉસ બનવાની ક્ષમતા ધરાવે છે.











