ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મનપા અને નગરપાલિકાઓને રૂ. ૩,૮૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે અને શહેરોમાં સ્વચ્છતા તથા ગુણવત્તાયુક્ત વિકાસ કાર્યો પર વિશેષ ભાર મૂક્યો છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ. ૩,૮૫૦ કરોડની મસમોટી ગ્રાન્ટના ચેક વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૭ મહાનગરપાલિકાઓને રૂ. ૨,૯૯૨ કરોડ અને ૧૫૨ નગરપાલિકાઓને રૂ. ૮૫૮ કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સતત મળતી રહેવી જોઈએ અને શહેરોમાં સ્વચ્છતા બાબતે કોઈ જ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
સ્વચ્છતા અને ભુવા પડવાની સમસ્યા પર કડક સૂચનાઓ
-
સ્વચ્છતા નહીં તો ગ્રાન્ટ બંધ: મુખ્યમંત્રીએ આક્રમક અંદાજમાં કહ્યું હતું કે સ્વચ્છતા દરેક વ્યક્તિના મગજમાં હોવી જ જોઈએ અને જ્યાં ગંદકી અંગે બૂમો અથવા ફરિયાદો આવશે, ત્યાંની ગ્રાન્ટ સીધી જ બંધ કરી દેવામાં આવશે. તંત્રએ ગમે તેવી વ્યવસ્થા ગોઠવીને પણ ઉત્તમ સ્વચ્છતા જાળવવી જ પડશે.
-
ભુવા પડવાના મૂળ કારણો શોધો: રોડ પર ભુવા પડ્યા બાદ તેને પૂરવાની કામગીરી કરવા કરતાં ભુવા પડવાના મૂળ કારણો શોધીને તેનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
-
સંકલન અને ગુણવત્તા: રોડ, ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનો સહિતની તમામ વિકાસકીય વ્યવસ્થાઓ વચ્ચે પરસ્પર સંકલન હોવું અનિવાર્ય છે અને કામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ચલાવવામાં આવશે નહીં.
હળવાશભર્યા સંબોધનો અને રમુજી ટિપ્પણીઓ
સંબોધનની શરૂઆત કરતા પહેલાં મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં ટાંક્યું હતું કે, ‘નગરપાલિકાના પૈસા અને ધારાસભ્ય ખુશ છે… ધારાસભ્યને ઓછા પડે એમ નથી રૂપિયા,’ જેના કારણે સભાખંડમાં હળવા હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ ઉપરાંત, કાર્યક્રમમાં હાજર ચીફ ઓફિસરોને સંબોધતા તેમણે એક અધિકારીની મજાક ઉડાવતા કહ્યું હતું કે, ‘કમિશનર બનવું છે એટલે બોલતા નથી, કમિશનરને પૂછી આવજો કે તકલીફ કેટલી પડે છે.’
નાણાંની કોઈ તંગી નથી, હવે મેનેજમેન્ટ પર ધ્યાન આપો
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે હવે રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે નાણાં કે ફંડની કોઈ જ તંગી રહી નથી. સરકાર દ્વારા પૂરતા નાણાં ફાળવવામાં આવ્યા છે ત્યારે હવે બજેટ અને ઉત્તમ મેનેજમેન્ટ પર કામ કરવાનો સમય છે. જેમ આપણા ઘરમાં કોઈ સુવિધા સતત મળતી હોય અને અચાનક બંધ થઈ જાય તો આપણને મુશ્કેલી પડે છે, તેવી જ રીતે નાગરિકોને પણ તમામ નાગરિક સુવિધાઓ અવિરત અને સારી ગુણવત્તા સાથે મળતી રહે તે દિશામાં વહીવટી તંત્રએ સક્રિય કામગીરી કરવાની રહેશે.











