મહીસાગર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. કોઠંબામાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે અને લુણાવાડાના સુવા ગામે ફસાયેલા ૩૦૦થી વધુ લોકોને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.

આજે વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ ભારે જામ્યો છે. ખાસ કરીને મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ સાર્વત્રિક અને તોફાની બેટિંગ કરતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે કોઠંબા વિસ્તારમાં સૌથી વધુ ૧૩૩ મિલીમીટર એટલે કે સાડા પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા ખેતરો પાણીમાં ગરકાવ થઈને બેટમાં ફેરવાયા છે.
સુવા ગામે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ
-
ઘરોમાં પાણી ઘૂસ્યા: લુણાવાડા તાલુકાના સુવા ગામમાં કોતર ઓવરફ્લો થવાના કારણે પાણી સીધા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. ખાસ કરીને નાયક ફળિયામાં પાણી ફરી વળતાં આશરે આઠ જેટલા મકાનો ચારેય બાજુથી પાણીથી ઘેરાઈ ગયા હતા.
-
લોકો ફસાયા: આ પંથકમાં આયુર્વેદિક દવાની સારવાર લેવા માટે દૂર-દૂરથી તેમજ વડોદરા અને અન્ય જિલ્લાઓમાંથી આવેલા અંદાજે ૧૦૦ જેટલા દર્દીઓ તથા નાગરિકો રસ્તાઓ બંધ થઈ જવાથી ફસાઈ ગયા હતા.
-
તંત્રની સફળ રાહત કામગીરી: જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક ધોરણે સક્રિય થઈને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી ફળિયાના ૨૮ જેટલા સ્થાનિકોને તેમના મૂલ્યવાન પશુધન સાથે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિવિધ જગ્યાએ ફસાયેલા ૩૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
-
ભોજન અને આશ્રયની વ્યવસ્થા: પૂર અને વરસાદના કારણે ફસાયેલા તમામ નાગરિકો માટે સરપંચ અને સ્થાનિક પ્રશાસન દ્વારા રહેવાની અને જમવાની ઉત્તમ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.











