દિવાળીના તહેવારોમાં નાગરિકોની સુરક્ષા માટે ગાંધીનગર પોલીસે સઘન ‘એક્શન પ્લાન’ તૈયાર કર્યો છે. 50 બાઇકર્સ-પીસીઆર ટીમો, 1000 કેમેરાથી સર્વેલન્સ અને હિસ્ટ્રીશીટર પર બાજનજર… જાણો પોલીસનો સંપૂર્ણ પ્લાન અને તમારી સુરક્ષા માટે શું કરવું.

ગાંધીનગર, મંગળવાર
દિવાળીનો માહોલ એટલે રોશની, ઉત્સાહ અને ખરીદીનો ધમધમાટ. જોકે, તહેવારોની આ મોસમમાં ચોર અને લૂંટારૂ ટોળકી પણ સક્રિય થઈ જતી હોય છે. ચોરી, લૂંટ, ઘરફોડ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર પોલીસે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે એક ખાસ અને સઘન ‘એક્શન પ્લાન’ તૈયાર કર્યો છે.
50 બાઇકર્સ ટીમો દ્વારા રાત-દિવસ સઘન પેટ્રોલિંગ
ગાંધીનગર શહેર અને જિલ્લામાં ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસે એક અનોખી વ્યૂહરચના અપનાવી છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના જણાવ્યા અનુસાર, સુરક્ષા માટે 30 નહીં પણ 50 બાઇકર્સ-પીસીઆર ટીમો સતત રાત-દિવસ પેટ્રોલિંગ કરશે. આ ટીમો ખાસ કરીને ભીડવાળા વિસ્તારો, બજારો અને સંવેદનશીલ પોઈન્ટ્સ પર બાજ નજર રાખશે.
1000 CCTV કેમેરાથી 24 કલાક મોનિટરિંગ
પોલીસના આ એક્શન પ્લાનનો એક મહત્ત્વનો ભાગ ટેક્નોલોજી પણ છે. ભીડવાળા વિસ્તારો અને મુખ્ય પોઈન્ટ્સ પર કુલ 1000 જેટલા CCTV કેમેરા દ્વારા સતત 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જ્વેલર્સ એસોસિએશન, આંગડિયા પેઢીના સંચાલકો, બેંકો અને સોસાયટીના ચેરમેન સાથે પણ પોલીસે બેઠકો યોજીને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
હિસ્ટ્રીશીટરો પર ‘બાજ નજર’ અને કડક કાર્યવાહી
દિવાળીની રજાઓમાં જ્યારે લોકો ઘર બંધ કરીને બહારગામ જાય છે, ત્યારે ઘરફોડ ચોરીની ઘટનાઓ વધવાની શક્યતા રહે છે. આથી, પોલીસે ક્રાઈમ હિસ્ટ્રી ધરાવતા ગુનેગારો એટલે કે ‘હિસ્ટ્રીશીટરો’ પર વિશેષ બાજ નજર રાખી છે.
જિલ્લાના 170 જેટલા હિસ્ટ્રી શીટરોને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એકઠા કરીને પોલીસની કડક કાર્યવાહી વિશે ચેતવણીરૂપ ‘બ્રહ્મજ્ઞાન’ પણ આપવામાં આવશે.
શહેરોના પ્રવેશ અને બહાર નીકળવાના મુખ્ય માર્ગો પર સઘન ‘નાકાબંધી’ કરીને શંકાસ્પદ ગતિવિધિ ધરાવતા વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવશે.
મહિલાઓની સુરક્ષા માટે વિશેષ આયોજન
તહેવારોના સમયમાં મહિલાઓની સુરક્ષા સર્વોપરી છે. મહિલાઓની છેડતીની ઘટના ન બને તે માટે પોલીસનું ખાસ આયોજન છે. મહિલા પોલીસ સ્ટાફને ગાંધીનગરમાં ખરીદીની જગ્યાઓ અને જ્યાં મહિલાઓ વધુ પ્રમાણમાં એકઠી થતી હોય તેવા વિસ્તારોમાં સતત સર્વેલન્સ માટે તૈનાત કરવામાં આવશે.
નાગરિકો માટે પોલીસની ખાસ અપીલ
પોલીસ માત્ર પોતાના બળે નહીં, પણ નાગરિકોના સહયોગથી જ ગુનાખોરીને કાબૂમાં લઈ શકે છે. જિલ્લા પોલીસ વડાએ લોકોને કેટલીક મહત્ત્વપૂર્ણ અપીલ કરી છે:
પોલીસને જાણ કરો: જો કોઈ પરિવાર લાંબા સમય માટે પોતાનું ઘર બંધ કરીને બહારગામ જતું હોય, તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. પોલીસ તે વિસ્તારોમાં બંધ મકાનોની સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારશે.
સલામતીના પગલાં: નાગરિકોને કિંમતી વસ્તુઓ સલામત સ્થળે મૂકીને જવા અને પાડોશીઓને પણ જાણ કરવા સૂચન છે. શક્ય હોય તો ઓછા ખર્ચે મોશન સેન્સર્સ CCTV કેમેરા લગાવો, જેમાં પોલીસ પણ વેન્ડર દ્વારા મદદરૂપ થશે.
શંકાસ્પદ ગતિવિધિ: નવી સોસાયટીઓમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે ગતિવિધિ જણાય તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમ નંબર 9978405968 ઉપર ફોન કરીને જાણ કરવી. આવી જાગૃત સોસાયટીઓને પોલીસ ‘રીવોર્ડ’ આપીને સન્માન પણ કરશે.
આ ઉપરાંત, ટ્રાફિક જામ ન થાય તે માટે વધારાના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તૈનાત કરાશે અને હાઈ-વે પર અકસ્માતો અટકાવવા પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. ગાંધીનગર પોલીસનો આ એક્શન પ્લાન દર્શાવે છે કે તેઓ તહેવારના માહોલમાં નાગરિકોની શાંતિ અને સલામતી જાળવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.











