નવા વર્ષે સરકારની તિજોરી છલકાઈ! ડિસેમ્બરમાં GST કલેક્શન 1.74 લાખ કરોડને પાર, જાણો આવક વધવાનું કારણ

નવા વર્ષની શરૂઆતમાં જ સરકાર માટે સારા સમાચાર! ડિસેમ્બર 2025માં GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. જાણો ટેક્સના દરો ઘટ્યા હોવા છતાં સરકારની આવક કેવી રીતે વધી.

નવી દિલ્હી, શનિવાર
નવા વર્ષ 2026ની શરૂઆત સરકાર માટે શાનદાર રહી છે. વર્ષના પહેલા જ દિવસે જે આંકડા સામે આવ્યા છે તે સરકારની તિજોરી માટે ‘ગુડ ન્યૂઝ’ સમાન છે. ડિસેમ્બર 2025 મહિનાના GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કલેક્શનના આંકડા જાહેર થઈ ગયા છે, જેમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.

સરકારી આંકડા મુજબ, ડિસેમ્બર મહિનામાં ગ્રોસ GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે નોંધાયું છે. જો આપણે આ આંકડાને ગયા વર્ષ સાથે સરખાવીએ તો તેમાં વાર્ષિક ધોરણે 6.1 ટકાનો વધારો થયો છે. યાદ અપાવી દઈએ કે, ડિસેમ્બર 2024માં આ આંકડો 1.64 લાખ કરોડ રૂપિયા હતો.

ક્યાંથી થઈ સૌથી વધુ કમાણી?
સરકારની આ કમાણીમાં ઘરેલું બજાર અને આયાત (Import) બંનેનો ફાળો રહ્યો છે, પરંતુ આયાતી માલ પરની કમાણીએ બધાને ચોંકાવી દીધા છે.
આયાત: વિદેશથી મંગાવવામાં આવતા માલ પરના ટેક્સ કલેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે. આ આવક 19.7 ટકા વધીને સીધી 51,977 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
ઘરેલું વેચાણ: દેશની અંદર થતા વ્યવહારોમાંથી મળતી રેવન્યુમાં પણ 1.2 ટકાનો વધારો થયો છે અને તે 1.22 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે.
આ ઉપરાંત, સરકારે વેપારીઓને રિફંડ આપવામાં પણ કોઈ કચાશ રાખી નથી. રિફંડની રકમમાં 31 ટકાનો વધારો થયો છે અને કુલ 28,980 કરોડ રૂપિયા રિફંડ તરીકે ચૂકવવામાં આવ્યા છે. રિફંડ બાદ પણ સરકારની નેટ આવક 1.45 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી છે, જે ગયા વર્ષ કરતાં 2.2 ટકા વધારે છે.

સેસ કલેક્શનમાં કેમ થયો ઘટાડો?
એક તરફ કુલ આવક વધી છે, તો બીજી તરફ ‘સેસ’ની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2024માં સરકારને સેસ પેટે 12,003 કરોડ રૂપિયા મળ્યા હતા, જે હવે ઘટીને માત્ર 4,238 કરોડ રૂપિયા થઈ ગયા છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ સરકારની નવી નીતિ છે. લક્ઝરી અને મોજશોખની વસ્તુઓ પરથી સેસ હટાવી લેવામાં આવ્યો છે. હવે માત્ર તમાકુ અને તેને સંલગ્ન પ્રોડક્ટ્સ પર જ કોમ્પેન્સેશન સેસ વસૂલવામાં આવે છે, જેના કારણે આ આંકડો નીચે આવ્યો છે.

ટેક્સ ઘટ્યો છતાં આવક વધી
આ આંકડાઓ એટલા માટે પણ મહત્વના છે કારણ કે થોડા સમય પહેલા જ સરકારે GST ના દરોમાં ઘટાડો કર્યો હતો. રિપોર્ટ અનુસાર, 22 સપ્ટેમ્બર 2025થી લગભગ 375 જેટલી વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો હતો. જેના કારણે રોજિંદા વપરાશની 99 ટકા ચીજવસ્તુઓ સસ્તી થઈ હતી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!